દાસાહેબ ફાળકેનો પ્રથમ ફોટો સ્ટુડિયો ગોધરાના રેલ્વે સ્ટેશનથી થોડે દૂર આવેલ ગીદવાણી વિસ્તારમાં શરૂ થયો હતો. ગોધરાના જહૂરપુરા શાક માર્કેટ પાસે વર્ષો જૂનું એક મકાન છે. હાલ આ મકાનમાં રહેતો દેસાઈ પરિવાર આજે પણ દાદા સાહેબ ફાળકેના ફોટો સ્ટુડીઓની ગવાહી આપે છે. દાદા સાહેબ અને દેસાઈ પરિવાર વચ્ચેના પારિવારિક સંબધોની અને જેતે સમયે દાદા સાહેબ ફાળકેએ પોતાના કેમેરામાં કંડારેલી દેસાઈ પરિવારની તસવીરો આજે પણ આ પરિવાર પાસે મોજુદ છે. ગોધરાના આ મકાનમાં દેસાઈ પરિવારની ચોથી પેઢીના સુધીરભાઈ દેસાઈ પોતાના પરિવાર સાથે રહે છે.
આમ, ગોધરામાં પ્રથમ ફોટો સ્ટુડીઓ શરુ કરી અને ફોટોગ્રાફીની દુનિયામાં પ્રથમ કદમ મૂકનાર દાદા સાહેબનો ગોધરા સુધી લંબાવવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વડોદરાના સયાજીરાવ ગાયકવાડ પાસે જઈ દાદા સાહેબે ફોટોગ્રાફી શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઇ સયાજીરાવ ગાયકવાડે કલા ભવન ખાતે ફોટોગ્રાફીનો કોર્ષ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. જ્યાં દાદા સાહેબે ફોટો ગ્રાફીનો કોર્ષ પૂર્ણ કર્યો હતો. કોર્ષ પૂર્ણ થતા પોતાનો ફોટો સ્ટુડીઓ શરુ કરવાનો વિચાર કરી સૌપ્રથમ ગોધરાને પસંદ કર્યું હતું.
અહીં પ્રથમ ફોટો સ્ટુડીઓ ઇસ.1895માં શરુ કર્યો હતો, પરંતુ પંચમહાલ જિલ્લો અતિ પછાત હોવાના કારણે ફોટો સ્ટુડીઓ શરુ કર્યા પછી દાદા સાહેબને પુરતી સફળતા મળી નહોતી. જેથી તેઓએ ગોધરા છોડી પુણે તરફ કૂચ કરી હતી. આમ દાદા સાહેબે પોતાની ફોટોગ્રાફીની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી જ કરી હતી. દેસાઈ પરિવારના સભ્યો આજે લેખક તેમજ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ડાયરેક્ટર જેવા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમાં તેઓ પોતાની સફળતા અને આ વ્યવસાયનો શ્રેય દાદા સાહેબ ફાડકેને આપી રહ્યા છે. હાલ હયાત સુધીરભાઈના દાદા રાવ સાહેબ દેસાઈ સાથે મુલાકાત થઈ, તે સમયે રાવ સાહેબ દેસાઈ 22 ગામના સૌથી ધનવાન વ્યક્તિ હતા.
દાદા સાહેબે ફોટો સ્ટુડિઓ શરુ કરવા માટે દેસાઈ સાહેબ પાસે જગ્યાની માંગણી કરી હતી, જ્યાં તેઓને હાલ ગીદવાણી રોડના નામે ઓળખાતા વિસ્તારમાં જગ્યા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આમ તો ગોધરા શહેરની વાત આવે તો 2002નું ગોધરા કાંડ જ યાદ આવે છે, પરંતુ આજે ગોધરાનું નામ દાદા સાહેબ ફાળકે જેવા મહાન વ્યક્તિ સાથે લેવાતા ગોધરાના નગરજનો ખુશી અને ગર્વ અનુભવી રહ્યા છે.