પંચમહાલ : હાલોલ તાલુકા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા હાલોલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમા જણાવ્યું હતું કે, જીવનનો અમૂલ્ય સમય દેશને સમર્પિત કરવા બદલ પૂર્વ માજી સૈનિકને ગુજરાત રાજ્ય સરકાર 16 એકર જમીન આપવાની જોગવાઈ છે. અન્વયે ગુજરાત સરકાર દ્વારા માજી સૈનિકોને ખેતી માટે પડતર જમીન ફાળવવા બાબત હાલોલ તાલુકાના તમામ માજી સૈનિકો તથા વીર નારીને જમીન ફાળવવા માટેના ફોર્મ કચેરીમાં આપવામાં આવે અને તે બાબતે યોગ્ય નિર્ણય લઈ તાલુકાના તમામ માજી સૈનિકોને સરકાર દ્વારા મળતા લાભો તાત્કાલિક અસરથી મળે તેમ જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માજી સૈનિકોને સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા આવે તેમજ રાજ્ય સરકાર દ્વારા વર્ગ 1 થી 4 સુધીની નિમણુંક વખતે માજી સૈનિકને અપાતી અનામતનો ચુસ્તપણે અમલ કરવામાં આવે. તેઓની અનામતમાં મેરીટને ધ્યાનમાં રાખી ફક્તને ફક્ત માજી સૈનિકની અનામત નિમણૂંક કરવામાં આવે.
શહિદ સૈનિકના એક પુત્રને અથવા પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે તેમજ શહીદ પરિવારને રૂપિયા એક કરોડની સહાય આપવી જોઈએ. હાલમાં ફક્ત 4 લાખની સહાય ચૂકવવામાં આવે છે. તે બાબતે પણ ઘટતું કરવા સહિત 14 મુદ્દાઓની માંગણીઓ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.