- ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત
- ગેસ ટેન્કર ખાલી હોવાના કારણે જાનહાનિ ટળી
પંચમહાલઃ ગોધરા શહેર પાસે આવેલા પરવડી બાયપાસ નજીક જલારામ સ્કૂલ પાસે ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દાહોદ તરફ જઈ રહેલા કાર ટ્રેલર સાથે ગેસ ટેન્કર ધડાકાભેર અથડાતા ગેસ ટેન્કર મુખ્ય માર્ગ પર પલટી મારી ગયું હતું. જેના પગલે મુખ્ય માર્ગ પર અવર-જવર કરતા વાહનોની લાંબી કતાર લાગી હતી.
ગેસ ટેન્કર ખાલી હોવાને લઇને જાનહાનિ ટળી
ગેસ ટેન્કર અને કાર ટ્રેલરના સર્જાયેલા અકસ્માતમાં ગેસ ટેન્કરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. સદ્ભાગ્યે ગેસ ટેન્કર ખાલી હોવાને લઇને જાનહાનિ ટળી હતી.
બનાવને લઇને એલ એન્ડ ટી અને ગોધરા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. એલ એન્ડ ટીની ટીમ દ્વારા ક્રેન વડે ટેન્કરના કેબિનમાંથી ડ્રાઇવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગેસ ટેન્કર અને કાર ટ્રેલરમાં થયેલા અકસ્માતમાં કેબીનમાં ફસાયેલા ચાલકને બે ક્રેન દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
આ અકસ્માતમાં ગેસ ટેન્કર ચાલકને ગંભીર ઇજાઓ થઈ જતા ચાલકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો.