પંચમહાલઃ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ કોરોનાના 23 કેસ નોંધાયા છે. જિલ્લાના ગોધરા શહેરમાં વધુ એક કોવિડ-19 પોઝિટિવ કેસ મળી આવતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 23 પર પહોંચી છે. ગોધરા શહેરની હરિકૃષ્ણ સોસાયટી, અંકલેશ્વર મહાદેવ વિસ્તારના 34 વર્ષના પુરુષને કોરોના સંક્રમિત થયાની વિગતો બહાર આવી છે.
જિલ્લામાં કોવિડ-19ના બે વધુ કેસો ડિટેક્ટ થતા કોવિડ-19ના કુલ પોઝિટિવ કેસ 23 નોંધાયા છે. જેમાથી જિલ્લામાં કુલ 20 સક્રિય કેસ છે. ગોધરા શહેરના ભાગોળ વિસ્તારના 45 વર્ષીય પુરૂષ અને હાલોલના લીમડી ફળિયાના 55 વર્ષીય પુરૂષનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ 239 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 22 પોઝિટીવ અને 152 નેગેટીવ આવ્યા છે. જેમાંથી 27 સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. અત્યાર સુધી ગોધરા શહેરમાંથી કુલ 21 વ્યક્તિઓનો પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ 23 કેસ નોંધાયા છે. જે પૈકી 12 ગોધરા સિવિલ ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં, 6 વ્યક્તિઓ વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને 2 વ્યક્તિઓ વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે.
11 વ્યક્તિઓ કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. હાલની સ્થિતિએ જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યા 2017 છે, જે પૈકી 1419 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ થયો છે જ્યારે 598 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો ચાલુ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ વધુ 96 વ્યક્તિઓને 27 એપ્રિલના રોજ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોરોના પોઝિટીવ કેસ મળવાના કારણે કોરોનાગ્રસ્ત બનેલા પોલન બજાર વિસ્તારના 79 પરિવારના 332 લોકોને, ખાડી ફળિયાના 176 પરિવારના 742 લોકોને તેમજ લિમડી ફળિયાના 165 પરિવારોના 860 લોકોને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારોના 2 કિમીના બફર ઝોનમાં આવતા 4,551 ઘરોના કુલ 29,295 રહીશોનો સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.