નવસારી: રાજ્યમાં કોરોનાને કાબુમાં લેવા અનલોક દરમિયાન બહાર ફરતા લોકોએ માસ્ક ફરજિયાત પહેરવા બાબતે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે, ત્યારે શહેરમાં માસ્ક વગર નીકળેલી મહિલાને ટ્રાફિક પોલીસે અટકાવાતા, મહિલા પોલીસને ધમકાવતી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
રાજ્યમાં અનલોક જાહેર થતાં જ લોકો માસ્ક વગર બહાર ન નીકળે, એ માટે સરકારે દંડની જોગવાઈ કરવાની કામગીરી તંત્રને સોંપી હતી. અનલોક થયા બાદ લોકો માસ્ક વિના બેફામ રીતે ફરી રહ્યાં છે. જેના કારણે જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.
જેના પગલે સખ્તાઈ જાળવી લોકોને માસ્ક પહેવા જણાવી રહ્યાં છે. તે દરમિયાન તેમને ઘણી વખત લોકો સાથે રકઝક પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો નવસારીના વિરાવળ જકાતનાકા પાસે સામે આવ્યો છે. જ્યાં ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરતી હતી, ત્યારે એક મહિલા માસ્ક વગર જણાતા પોલીસે તેને અટકાવી હતી. જેણે પોતાની ભૂલ સમજ્યાં વિના જાહેરમાં ટ્રાફિક પોલીસ સાથે તકરાર કરી હતી, અને જબરદસ્તી ત્યાંથી નીકળી જવાની વાતો કરી પોલીસને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન તેની સાથે રહેલા યુવાને પોલીસનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું, તો સામે ટીઆરબી જવાને પણ મહિલાની દાદાગીરીનો વિડીયો ઉતાર્યો હતો. જેની જાણ થાતાં મહિલાએ ટી.આર.બી જવાનને ધમકી આવી વીડિયો ડીલીટ કરવાનું કહી રહી હતી. જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસવડાએ મહિલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે.