નવસારી : નેશનલ હાઇ-વે નં. ૪૮ પર બુધવારે મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક પર અંબિકા નદીના પુલ પર જતી સેન્ટ્રો કારનું ટાયર ફાટતા કાર અચાનક જ થંભી ગઇ હતી. જેને કારણે તેની પાછળ પુર ઝડપે આવતી સીયાઝ કાર, એસ ક્રોસ કાર, બીટ કાર, બ્રિકસ ટેમ્પો, ઇનોવા કાર અને ક્વોલીસ કાર એક પછી એક અથડાયા હતા. એક સાથે 7 વાહનો અથડાતા અંબિકા નદીના પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનામાં તમામ વાહનોના બોનેટને વધતું ઓછું નુકસાન થયું હતું. જોકે તમામ કારમાં સવાર કોઇ પણ વ્યક્તિને જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા ગણદેવી પોલીસ સહિત હાઇવે ઓથોરીટીની ઈમરજન્સી સર્વિસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પ્રથમ તમામ વાહનોને પુલથી રસ્તાની બાજુમાં રાખવાની વ્યવસ્થા કરી, ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે ઘટનામાં એક પણ વાહન ચાલકે ફરિયાદ ન આપતા પોલીસે ફક્ત નોંધ કરી, તમામને જવા દીધા હતા.