નવસારી: પ્રથમ લોકડાઉન દરમિયાન નવસારી કોરોના સંક્રમણથી બાકાત રહ્યુ હતું, પણ સુરત જતા આવશ્યક સેવાઓના કર્મચારીઓને કારણે જીલ્લામાં કોરોના પ્રવેશ કરશે એવી સ્થાનિકોની ચિંતા સાચી ઠરી છે. હાલના દિવસોમાં નવસારીમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. જોકે ગુજરાત સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફક્ત 1 જ પોઝિટિવ કેસ બતાવવામાં આવી રહ્યો છે. જેને લઈને જિલ્લાવાસીઓને આશ્ચર્ય થયુ છે.
જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જીલ્લામાં કોરોનાએ પગલા માંડ્યા હતા. ત્યાર બાદ ગણદેવી તાલુકાના આંતલિયા ગામની સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 24 વર્ષીય યુવતીનો કેસ પોઝિટિવ આવ્યો હતો. જેના બીજા જ દિવસે નવસારી તાલુકાના અંબાડા ગામે આવેલા સામુહિક સ્વાસ્થય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટસમાં રહેતી સુરતની કિરણ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતી 29 વર્ષીય ડૉ. નેહલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી જીલ્લામાં સુરતથી ત્રણ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જો કે,જીલ્લામાં ત્રણ કોરોના પોઝિટિવ કેસો હોવા છતાં, રાજ્યના સ્વાસ્થય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવેલા આંકડામાંં ફક્ત એક જ પોઝિટિવ કેસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને લઈને સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે.
રાજય સરકાર દ્વારા એક જ કેસ પોઝિટિવ બતાવવા અંગે નવસારી સ્વાસ્થય વિભાગના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. મેહુલ ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સુરતની કિરણ હોસ્પિટલની નર્સ અને તબીબી અધિકારીના સરનામાં સુરતના છે. જેથી આ મુદ્દે રાજ્ય સ્વાસ્થય વિભાગમાં વાત કરી છે. તેમજ જણાવ્યુ કે, નવસારીમાં રહેતા ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું ધ્યાને લઈને જ કાર્યવાહી કરવામાં આવી છે.