- ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે વર્ષ 1930માં અમદાવાદથી દાંડી કૂચ કરી હતી
- 1930ની દાંડીકૂચ 3જી એપ્રિલે નવસારીના ધામણ ગામે પહોંચી હતી
- ધામણ ગામના પુસ્તકાલયના મકાનમાં યાત્રિકોએ રાતવાસો કર્યો હતો
નવસારી : ભારતને 200 વર્ષની અંગ્રેજી હુકુમતમાંથી છોડાવવા મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે વર્ષ 1930માં અમદાવાદથી દાંડી સુધી કૂચ કરી હતી. 1930ની દાંડીકૂચ 3જી એપ્રિલે નવસારીના ધામણ ગામે પહોંચી હતી. અહીં ગ્રામજનોએ બાપુનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સાથે જ પુસ્તકાલયના મકાનમાં યાત્રિકોએ રાતવાસો કર્યો હતો. મહાત્માએ પુસ્તકાલયના પ્રાંગણમાં 5 હજારની મેદનીને સંબોધી આઝાદીની ચળવળમાં જોડાવા હાંકલ કરી હતી.
![ધામણનું ઐતિહાસિક પુસ્તકાલય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-special-aitihasik-dharohar-rtu-gj10031-hd_04042021233908_0404f_1617559748_744.jpg)
આ પણ વાંચો : દાંડીયાત્રાઃ ખેડાના મહેમદાવાદ પોલીસ મથકના કોન્સ્ટેબલે દુહા-છંદની રમઝટ બોલાવી
ધામણ ગામ અને પુસ્તકાલયનું મકાન ઇતિહાસના પાનામાં સંગ્રહાયું
બાપુ જ્યાં રોકાયા હતા એ ધામણ ગામ અને પુસ્તકાલયનું મકાન ઇતિહાસના પાનામાં સંગ્રહાયું હતું. આ ઐતિહાસિક મકાન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નીકળેલી દાંડીયાત્રામાં ભલાયું છે. ધામણ ગામે જર્જર બનેલા પુસ્તકાલયના મકાનની દિવાલોમાં તિરાડો પડી છે. જેનું સમારકામ કરાયુ નથી. આ ઐતિહાસિક મકાનને સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવ્યુ હતું.
![ધામણનું ઐતિહાસિક પુસ્તકાલય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-special-aitihasik-dharohar-rtu-gj10031-hd_04042021233908_0404f_1617559748_120.jpg)
આ પણ વાંચો : દાંડી યાત્રિકો નાપા ગામ ખાતે વિશ્રામ કરી બોરસદ જવા રવાના થશે
ઐતિહાસિક ધરોહર પુસ્તકાલયના મકાનની અનદેખાઇથી ગ્રામજનોમાં નિરાશા
તંત્ર દ્વારા યાત્રિકોને ધામણમાં વિરામ અપાયો અને સિક્કિમના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સભા પણ થઈ હતી. પરંતુ ઐતિહાસિક ધરોહર એવા આ પુસ્તકાલયના મકાનની અનદેખીથી ગ્રામજનોમાં નિરાશા વ્યાપી હતી. તંત્ર દ્વારા કયા કારણોસર મકાનનું સમારકામ ન થયુ એનો પ્રશ્ન પણ ગ્રામજનોમાં ચર્ચાતો રહ્યો હતો. જોકે, સરકાર ધામણની આ ધરોહરને જાળવે એવી આશા ગ્રામજનો સેવી રહ્યા છે. સાથે જ જો સરકાર નહિ કરે, તો પોતે જાળવવાની તૈયારી દર્શાવી હતી.