- નવસારીમાં લગ્નમાં સામાજિક અંતરના નિયમનો થયો ભંગ
- 50 લોકોની પરવાનગી સામે બિલ ભેગી થતા પોલીસે કરી કાર્યવાહી
- પોલીસે વરરાજાના બનેવીની કરી ધરપકડ
નવસારી : જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે છતા લોકો કોરોનાને ગંભીરતાથી લઈ નથી રહ્યા. નવસારી વિજલપોર શહેરના વિજલપોર વિસ્તારમાં આવેલી પાટીલ વાડીમાં થઈ રહેલા લગ્નમાં અંદાજે 300 લોકો આમંત્રિત કરવામાં આવ્યા હતા, આ બાબતે વિજલપોર પોલીસને જાણ થતા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે નિયમનો ભંગ કરવા બદલ વરરાજાના બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

રાજ્ય સરકારે લગ્ન સમારંભોમાં 50 લોકોને આપી છે મંજૂરી
નવસારી સહિત ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેથી રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન જાહેર કરી, ઘણી બાબતો પર પ્રતિબંધ કે પછી મર્યાદા લગાવી છે. જેમાં લગ્ન સમારંભોમાં થતી ભીડને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાવાની ભીતિને જોતા સરકારે લગ્નમાં ફક્ત 50 લોકોને જ મંજૂરી આપી છે. તેમ છતાં લગ્નોમાં ભીડ જોવા મળી રહી છે. નવસારી-વિજલપોર શહેરના વિજલપોર વિસ્તારમાં પણ પાટીલ સમાજની વાડીમાં સંતોષ સદાશિવના લગ્ન હતા. જેમાં 50 લોકોની મંજૂરી હતી, પરંતુ લગ્નમાં બંને પક્ષના મળીને અંદાજે 300 લોકોની ભીડ લગ્ન સમારંભમાં ભેગી થઇ જતાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. જેને કારણે થોડા સમય માટે લગ્નની વિધિ અટકી પડી હતી. પોલીસે તમામ વધારાના લોકોને બહાર કાઢીને સામાજિક અંતર જાળવવા માટે અપીલ કરી હતી. સાથે જ વરરાજાના બનેવી દેવા શિરસાઠની લગ્નમાંથી ધરપકડ કરીને જાહેરનામા ભાંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : લુણાવાડા અને કડાણામાં લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઇડલાઇન અને જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો
વરરાજાના ભાઈએ રાજકીય મેળાવડાઓ સામે ન થતી કાર્યવાહી પર ઉથાવ્યા સવાલો
પોલીસે લગ્ન સમારંભમાં પરવાનગી લેવામાં આવી છે કે કેમ ? એની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસ મથકેથી 50 લોકોની આપવામાં આવી હોવાનું જણાયું હતું. પોલીસ કાર્યવાહી થતા, વરરાજાના પરિવારજનોએ રાજકિય મેળાવડાઓમાં કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો લગાવી મધ્યમ વર્ગને હેરાન કરવામાં આવી રહ્યાની વાત સાથે માફી માંગી, ગુનો ન નોંધવા આજીજી કરી હતી. પરંતુ પોલીસે વરરાજાના બનેવી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.