નવસારી : પૂર્વ પટ્ટી વિસ્તાર દીપડાઓનું આશ્રય સ્થાન બની ગયું હોય તેમ જિલ્લામાં ઘણી જગ્યાએ દીપડાઓ જાહેરમાં દેખાવાની ઘટના સામે આવી રહી છે. ગઈકાલે પણ ચીખલી તાલુકાના તળાવચોરા ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં લટાર મારતો કદાવર દીપડાનો વિડીયો વાયરલ થયો છે. જોકે, હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
દિપડાની લટારનો વિડીયો વાયરલ : ગઈકાલે પણ ચીખલી તાલુકાના તળાવચોરા ગામે એક કદાવર દિપડો એક ખેતરમાંથી બીજા ખેતરમાં લટાર મારતો જોવા મળ્યો હતો. તળાવચોરા ગામ જંગલ વિસ્તાર ધરાવતો હોવાથી અવારનવાર અહીં પણ દીપડા દેખાતા હોય છે. ગઈકાલે પણ અહીંના ખેતરમાંથી રાત્રિના સમયે દીપડો લટાર મારતાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ચીખલીના અનેક ગામોમાં જાહેરમાં દીપડા દેખાતા હોય છે. હાલ તો તળાવચોરા ગામમાં દીપડો દેખાતા ગામમાં ભયનો માહોલ છે ત્યારે સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાતા વન વિભાગએ પણ દીપડાને પકડવા માટે જુદા જુદા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું છે.
આ પણ વાંચો : Surat News : શેરડી કાપતી વેળાએ દીપડો દેખાતા મજુરો જીવ હાથમાં લઈને ભાગ્યા
ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ : જંગલોના નિકંદન ને કારણે વન્ય પશુઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લામાંથી વન્ય પશુઓ ધીરે ધીરે નવસારી જિલ્લાની હદમાં પ્રવેશી હવે શહેરો તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે વન્ય પશુઓને પાણી અને ખોરાક નવસારી જિલ્લામાં મળી રહેતા અવારનવાર દીપડા જેવા હિંસક પશુઓ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે. કારણ કે નવસારી જિલ્લામાં વધુ મોટા પાયે શેરડીની ખેતી થતી હોય આ શેરડીઓની વચ્ચે દિપડાઓ પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે.
આ પણ વાંચો : Navsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ
જંગલી ભૂંડો પણ ખેતરોમાં : ઊંચા ખેતરોની વચ્ચે તેઓ પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત માને છે. તો બીજી તરફ આ વિસ્તારમાં નદી કે કોતરો પાણીના માટે મહત્વના સાબિત થાય છે તો ખોરાક માટે દિપડાઓ જંગલી ભૂંડોનો શિકાર કરતા હોય છે અને જંગલી ભૂંડો પણ ખેતરોમાં મળી આવતા હોય છે. તેથી નવસારી જિલ્લાનો વિસ્તાર ખાસ કરીને દિપડાઓને માફક આવી ગયો હોય તેમ નવસારી જિલ્લામાં મોટી સંખ્યાઓમાં દિપડાઓ અવારનવાર જોવા મળતા હોય છે. ગત દિવસોમાં જલાલપોર તાલુકાના બોદાલી ગામે પણ દિપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ ચીખલી તાલુકામાં પણ ઘણા વિસ્તારમાં દિપડાઓ જોવા મળતા હોય છે. આમ દીપડાઓને નવસારી જિલ્લાનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર ખાસ કરીને માફક આવી ગયો હોય તેમ અહીં તેઓ પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે.