નવસારીઃ શહેરના છાપરા રોડ પર આવેલા સિનર્જી બીઝનેસ પાર્કમાં કાર્યરત પ્રણામી જેમ્સના અલગ અલગ વિભાગોમાં અંદાજે 600થી વધુ રત્ન કલાકારો નોકરી કરે છે. લોકડાઉન જાહેર થયા બાદ સમગ્ર એપ્રિલ મહિનો રત્ન કલાકારો કંપનીમાં જઈ શક્યા ન હતા. તે દરમિયાન ભારત સરકારે ત્રીજા લોકડાઉનમાં આપેલી છૂટછાટને કારણે કંપની શરૂ થઇ શકી છે. જોકે પ્રણામી એપ્રિલ મહિનાનો પગાર આપવામાં આનાકાની કરતા રત્ન કલાકારોએ ગત અઠવાડીએ મેનેજમેન્ટ સાથે બેઠક કરી પૂરો પગાર આપવાની માંગ કરી હતી.
કંપનીએ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. બાદમાં કંપનીએ એપ્રિલ મહિનાનો પૂરો પગાર આપવાને બદલે 25 ટકા જ રકમ આપવાની વાત કરતા રત્ન કલાકારો અકળાયા હતા. જોકે કંપનીએ સરકારી નિયમો બતાવતા રત્ન કલાકારો આજે સોમવારે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા, ત્યારે ગ્રામ્ય પોલીસે સમજાવીને ફક્ત ચાર રત્ન કલાકારોને આવેદન આપવા મોકલ્યા હતા અને અન્યોને કલેકટર કચેરી બહારથી પરત કર્યા હતા. રત્ન કલાકારોએ અધિક કલેકટરને આવેદનપત્ર આપી, મોઘવારીના જમાનામાં કંપની પાસેથી પૂરો પગાર અપાવવાની માંગણી કરી હતી.
પ્રણામી જેમ્સના સંચાલકો દ્વારા લોકડાઉનમાં બંધ થયેલો હીરા ઉદ્યોગ કયારે બેઠો થશે, એની ચિંતા દર્શાવી કારીગરોને મુશ્કેલી ન પડે એ હેતુથી તેમને મળતા પગારનો 25 ટકા પગાર આપવાનો નિર્ણય કર્યો હોવાનો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વર્ષોથી કામ કરતા રત્ન કલાકારો બે કે ચાર હજાર જ પગાર મળતા તેમનો ઘરખર્ચ કેવી રીતે ચાલશેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જયારે સમગ્ર મુદ્દે જિલ્લા અધિક કલેકટરે તપાસ કરાવ્યા બાદ કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુ હતુ.
કોરોનાને કારણે જાહેર લોકડાઉનમાં ઉદ્યોગો બંધ થવાને કારણે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને આર્થિક તંગી સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે વર્ષોથી કામદારોની મહેનતથી ઉદ્યોગને ધમધમતો કરનારા ઉદ્યોગકારો કામદારોની સ્થિતિ સમજી પગાર ચૂકવે એવી લાગણી લોક માનસમાં પ્રવર્તી રહી છે.