- જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતો વચ્ચે જવા અઠવાડિયાના કાર્યક્રમોની તૈયારી
- કૃષિ કાયદાઓને કારણે મોંઘવારી વધવાના આક્ષેપો
- MSP અને વિવાદ થાય તો કોર્ટમાં જવાનો પણ કાયદામાં કોઇ ઉલ્લેખ નથીઃ કોંગ્રેસ
નવસારીઃ ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતની વાત સાથે લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો 27 દિવસોથી દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે. જેમાં 22 ખેડૂતોએ જીવ પણ ગુમાવાવો પડ્યો છે. ખેડૂતોના આંદોલનને કોંગ્રેસે સમર્થન જાહેર કરી, ગુજરાતમાં ખેડૂતોને જાગૃત કરવા અઠવાડિયાના કાર્યક્રમોની તૈયારી કરી હોવાની માહિતી આજે મંગળવારે યોજેલી પત્રકાર પરિષદમાં આપી હતી.
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસની પણ ખેડૂત આંદોલનને ઉગ્ર બનાવવાની રણનીતિ
કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત સાથે સંસદના બન્ને ગૃહોમાં પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો. જેમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો ગત 27 દિવસોથી દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોના અંદોલનને લઇ મોદી સરકારે દેશના અન્ય ખેડૂતોને પણ કાયદાઓના ફાયદો સમજાવનાં કાર્યક્રમો યોજી સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પૂર્વે ખેડૂત આંદોલનમાં સ્થાનિક ખેડૂતોનું સમર્થન મેળવવાની રણનીતિ ઘડી છે.
જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદ
આજે મંગળવારે નવસારી જિલ્લા કોંગ્રેસે કૃષિ કાયદાના વિરોધમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પ્રથમ આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખડૂતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે જ સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદામાં MSPનો લેખિતમાં ઉલ્લેખ નહીં હોવા સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગમાં વિવાદ થાય તો ખેડૂત પાસે કોર્ટમાં જવાની કોઇ વ્યવસ્થા ન હોવા જેવી ખામીઓ બતાવી, કાયદાઓને કાળા કાયદા ગણાવ્યા હતા, જયારે કાયદાઓના વિરોધમાં નવસારીના ખેડૂત વચ્ચે જઇ તેમને જાગૃત કરવાનો અઠવાડિયાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.
જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ, કોંગી ધારાસભ્ય ગેરહાજર!
કૃષિ પ્રધાન ભારતના ખેડૂતો વિરોધી કૃષિ કાયદાઓ બનાવ્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસે યોજેલી પત્રાકર પરિષદમાં જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઇ જ ગેરહાજર રહ્યા હતા, જયારે આંદોલનમાં હંમેશા અગ્રેસર રહેનારા નવસારીના એકમાત્ર કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ગેરહાજર રહેતા જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચર્ચામાં રહ્યો હતો. જો કે, પ્રમુખની ગેરહાજરી મુદ્દે સામાજિક કાર્યમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરાયું હતું.