નવસારી: છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મેઘરાજાએ નવસારીમાં ધમાકેદાર બેટિંગ કરી છે. વરસાદ એટલી માત્રામાં પડ્યો કે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદમાં શાંતાદેવી રોડ, વેરાવળ વિસ્તાર, દરગાહ રોડ અને શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ રોડ મકોડીયા વિસ્તાર કુંભારવાડા વિસ્તાર જેવા મહત્વના શહેરના માર્ગો પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે.
"રાત્રી દરમિયાન વરસેલા અવિરત વરસાદને કારણે અમારા વિસ્તારમાં દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા છે. જેથી રાત્રી દરમિયાન પાણી ઉતરવા સિવાયનો કોઈ વિકલ્પ ન હોય જેથી અમે વરસાદી પાણીમાં રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે. સાથે વરસાદ વિરામ લઇ તેવી પ્રાર્થના કરી રહ્યા છે."-- અરૂણભાઇ મિસ્ત્રી (કુંભારવાડા વિસ્તારના સ્થાનિક)
નદીની જળ સપાટીમાં વધારો: નવસારી શહેરના મધ્યમાં આવેલા કુંભાર વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદી પાણી ભરાતા સ્થાનિક દુકાન અને ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો રાત્રીના સમય દરમિયાન પાણીમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. જ્યારે બંધ પડેલી દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની કારણે દુકાનમાં મુકેલા માલ સામાનને પણ ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જ્યારે દુધિયા તળાવથી સુશોષા હોસ્પિટલ જવાનો રસ્તો વરસાદી પાણી ભરાવાને કારણે બંધ કરવામાં આવ્યો છે.
અઢી ફૂટ પાણી ભરાયા: જ્યારે સેશન રોડ વિસ્તારના કિરણ નગર સોસાયટી અને ગૌરીશંકર મહોલ્લા જેવા વિસ્તારના ઘરોમાં અંદાજે અઢી ફૂટ પાણી ભરાયા છે. રાત્રી દરમિયાન પડેલા વરસાદને કારણે જે વેપારીઓની દુકાનો છે. તે વેપારીઓને દુકાનો ભગવાન ભરોસે મૂકવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાથી પુણા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. જેને લઇને હાલ શરૂ થયેલો વરસાદ અને ઉપરવાસમાંથી આવતું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઝડપથી પાણી ભરાવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ તો રાત્રી દરમિયાન શરૂ થયેલા વરસાદે લોકોની ઊંઘ હરામ કરી છે. કારણ કે તો બીજી તરફ નેશનલ હાઇવે નંબર 48 પર પણ વરસાદી પાણી ભરાવાને ટ્રાફિક જામની પરિસ્થિતિનો વાહન ચાલકોએ સામનો કરવો પડી રહ્યો છે.