નવસારી: નિર્ભયા વડોદરાની OASIS સંસ્થામાં (OASIS Institute of Vadodara) રહીને અભ્યાસ કરવા સાથે નોકરી પણ કરતી હતી. ગત 28 ઓક્ટોબર, 2021 ની સાંજે નિર્ભયાને વડોદરામાં બે રીક્ષા ચાલકોએ બળજબરી પૂર્વક ઉઠાવી તેની સાથે સામુહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. જેના થોડા દિવસો બાદ ગત 4 નવેમ્બર, 2021 ની સવારે નિર્ભયાનો વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત કવીનના કોચ નં. D/12 માં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
SIT ની રચના કરી: ઘટનાની જાણ થયા બાદ તપાસનો રેલો વડોદરાની OASIS સંસ્થા સુધી પહોંચ્યો અને નિર્ભયાની ડાયરી મળતા તેમાં તેની સાથે 28 ઓક્ટોબરના રોજ ઘટેલી ઘટના સામે આવતા પોલીસ પણ હચમચી ઉઠી હતી. ઘટનાને પગલે રાજ્યનું પોલીસ વિભાગ એક્ટિવ થયુ હતું અને વડોદરા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે રેલ્વે પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. બીજી તરફ નિર્ભયાને વહેલો ન્યાય મળે એ માટે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ SIT ની રચના કરી હતી.
પોલીસ તપાસ: મોટા અધિકારીઓ હોવાથી નિર્ભયાના પરિવારને આરોપીઓ વહેલા પકડાશેની આશા બંધાઈ હતી. પરંતુ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થવા છતાં તપાસ ક્યાં સુધી પહોંચી, આરોપીઓ કોણ છે, OASIS સંસ્થાનો શું રોલ રહ્યો જેવા અનેક પ્રશ્નો નિર્ભયાની માતાના મનમાં હજી પણ વણ ઉકેલ્યા પડ્યા છે. જે તપાસ અધિકારીઓ હતા એમની બદલી થઈ ગઈ અને જેમ તેમ એક અધિકારીનો નંબર મળ્યો, તો તપાસ ચાલુ છે નો જવાબ મળ્યો હતો. જેથી વ્યથિત માતા પોતાની લાડકી દીકરીને ન્યાય ક્યારે મળશેની ચિંતા સાથે પોતાને નિર્ભયાનો ભાઈ ગણાવનાર તત્કાલીન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના શબ્દો પણ નઠારા નિવડયા હોવાની લાગણી અનુભવી રહી છે.
CBIની તપાસ માંગ: અલગ-અલગ એજન્સીઓએ અગાઉ ખો-ખો જ રમી હતી, જેથી સમગ્ર તપાસ એક જ તપાસ એજન્સી પાસે રહે અને સેન્ટ્રલ CBI ને તપાસ સોંપવામાં આવે એવી માંગ માતાએ ઉઠાવી (Mother demands CBI probe in dead body case) છે. કારણ OASIS સંસ્થા શંકાના ઘેરામાં છે અને પોલીસ FSL રિપોર્ટ પણ બતાવતી નથી, દીકરીને આંતરિક ભાગે ચપ્પુના ઘા પણ હતા, તો આત્મહત્યા કેવી રીતે હોઈ શકે, જેથી યોગ્ય તપાસ સાથે આરોપીઓને પકડવામાં આવે એવી આશા માતાએ સેવી છે.