- કેલિયા ડેમે 113.40 મીટરની સપાટી વટાવી
- વાંસદાનો જૂજ ડેમ પણ થયો ઓવરફ્લો
- બંને ડેમ ઓવરફ્લો થતા પર્વતીય વિસ્તારના ખેડૂતોને મોટી રાહત
નવસારી: નવસારીમાં અને ઉપરવાસમાં થયેલી મેઘ મહેરના પરિણામ સ્વરૂપ વાંસદા સહિત ખેરગામ અને ચીખલીના ઘણા ગામો માટે જીવાદોરી સમાન જૂજ બાદ આજે વહેલી સવારે કેલિયા ડેમ પણ છલકાતા ગ્રામીણોમાં ખુશીનો માહોલ બન્યો છે. ખાસ કરીને ઉનાળામાં પર્વતીય વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો માટે સિંચાઈ અને પીવાના પાણી માટે બંને ડેમો ઉપયોગી સાબિત થાય છે.
4 દિવસથી અવિરત વરસાદ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પર્વતીય વિસ્તારના આદિવાસી ગામો માટે પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ એવા જૂજ અને કેલિયા ડેમ આ વર્ષે ઓછા વરસાદને કારણે અધુરા રહ્યા હતા. મોટેભાગે ઓગસ્ટના મધ્ય કે અંત ભાગમાં છલકાતા બંને ડેમો 50-60 ટકા જ ભરાયા હતા, પરંતુ સપ્ટેમ્બરના મધ્યમાં મેઘરાજાની મહેર થતા અને ગત 4 દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદે બંને ડેમોમાં પાણીની આવક વધારી છે.
કેલિયા ડેમ 90 ટકાથી વધુ ભરાયો
નવસારી સહિત ઉપરવાસના ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે ગત રોજ સવારે જૂજ ડેમ ઓવરફ્લો થયો હતો. અવિરત પાણીની આવક રહેતા આજે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ કેલિયા ડેમ 113.40 મીટરની સપાટી વટાવી જતા છલકાયો હતો.
ચીખલીના 7 અને ગણદેવીના 3 ગામોને એલર્ટ કરવામાં આવ્યા
કેલિયા ડેમ છલકાતા જ નીચેના કેચમેન્ટ વિસ્તારના વાંસદાના 1, ચીખલીના 7 અને ગણદેવી તાલુકાના 3 મળી કુલ 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ડેમ ભરાઈને છલકાતા વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાના આદિવાસી ગામડાઓના લોકોની વર્ષ દરમિયાનની પીવાના પાણીની સમસ્યા અને ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનું સમાધાન થયુ છે, જેને કારણે ત્રણે તાલુકાના ગ્રામીણોમાં ખુશી જોવા મળી છે.
વધુ વાંચો: નવસારીમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાના ધામા, જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય
વધુ વાંચો: ભારે વરસાદને પગલે નવસારીનો જૂજ ડેમ થયો ઓવરફ્લો, 25 ગામોને એલર્ટ