આગને કારણે ધુમાડો ઉઠતા સ્થાનિકોને શ્વાસ લેવામાં પડી તકલીફ
કચરાને કારણે રખડતા ઢોરનો હોય છે જમાવડો
કોઈ ટીખળખોરે આગ લગાવી હોવાનું સ્થાનિકોનું અનુમાન
નવસારી: વિજલપોર શહેરનો કચરો જ્યાં નાખવામાં આવતો હતો એ ડોલી તળાવની કચરા સાઈટમાં બુધવારે મોડી રાતે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કચરાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા, તેઓ કચરા સાઈટ પર દોડી આવ્યા હતા. જ્યાં, કચરામાં ખાવાનું શોધતી 3 ગાયો આગમાં ભૂંજાઈ ગઈ હતી. જેને લઈને ગૌરક્ષકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના દમોહ બસ સ્ટેન્ડમાં અગ્નિ તાંડવ , 7 બસ થઈ ખાખ
કચરામાં લાગેલી આગમાં 3 ગાયો સળગી
નગરપાલિકા દ્વારા સમગ્ર વિજલપોર શહેરનો કચરો ડોલી તળાવની બાજુમાં કચરા સાઈટમાં ફેંકવામાં આવતો હતો. પરંતુ, સ્થાનિકોના વિરોધને કારણે કચરો ફેંકાતો બંધ થયો હતો. જોકે, ડોલી તળાવ નજીક ઘણા લોકો કચરો ફેંકી જતા હોય હોઈ છે. અહીં કચરાને કારણે રખડતા ઢોરનો જમાવડો પણ રહેતો હોય છે. બુધવારે મોડી રાતે અચાનક ડોલી તળાવની કચરા સાઈટ પર આગ લાગી હતી અને આગને કારણે ઉઠેલા ધુમાડાથી સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેથી લોકો કચરા સાઈટ પર દોડી આવ્યા હતા. જ્યાં, કચરામાં લાગેલી આગમાં 3 ગાયો સળગી જતા તેના કરૂણ મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં સેનાના જવાનોની જીપ્સી પલટી મારતા આગ, 3 સૈનિકોના મોત
ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો
સ્થાનિકો દ્વારા તાત્કાલિક વિજલપોર ફાયર બ્રિગેડને જાણ કરાતા ઘટના સ્થળે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક સ્તરે કોઈ ટીખળખોરે કચરા સાઈટમાં આગ લગાવી હોવાનું સ્થાનિકોએ અનુમાન લગાવ્યું હતું.