- કોરોનાકાળમાં ફરજ પ્રથમ, માતૃત્વ પછી
- ફરજ દરમિયાન વીડિયો કોલથી પોતાની લાડલીઓને લાડ લડાવે છે સ્ટાફ નર્સ
- માતા પાસે વ્હાલસોયાને મૂકીને 12થી 15 કલાક કોરોના દર્દીઓના જીવન માટે મથે છે EMT
નવસારી: કોરોનાના કપરા કાળમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જેમાં ઘણી માતાઓ પણ પોતાના માસૂમ બાળકોને ઘરે પતિ કે સાસુ કે પછી પોતાની માતા પાસે છોડીને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર સાથે કાળજી પણ લઈ રહી છે. પોતાને કોરોનાનું સંક્રમણ ન લાગી જાય એની તકેદારી રાખીને આ માતાઓ સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કામ કરે છે પરંતુ માતૃ હૃદય હંમેશા પોતાના વ્હાલસોયાની ચિંતા કરતું હોય છે.
આ પણ વાંચો: “માઁ”થી પણ સુંદર “માઁ”નો પ્રેમ- થેલેસેમિયાગ્રસ્ત કિંજલબહેન અનેક માટે બન્યા પ્રેરણાનું પ્રતીક
ઘરે પરિજનો પાસે બાળકોને મૂકીને ફરજ બજાવે છે નર્સો
ક્યારેય પોતાની દીકરી મિષ્ટિને પોતાનાથી એક પળ પણ અલગ ન કરી હોવા છતાં, કોરોનાના કપરા કાળમાં ગણદેવીના કોઠા ગામની દિક્ષિતા પટેલ એક મહિનાથી નવસારી સિવિલ હોસ્પિટલની કોરોના OPDમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી રહી છે. દોઢ વર્ષની દીકરી મિષ્ટિને સાસુ અને પતિની પાસે મૂકીને આ માતા કોરોનાની વિપરીત પરિસ્થિતિને સમજી દર્દીઓની સારવાર કરી રહી છે. જોકે ફરજ દરમિયાન પણ દિક્ષિતા વીડિયો કોલ દ્વારા પોતાની લાડલીને લાડ લડાવી લે છે. જોકે એટલા જ સ્નેહથી દિક્ષિતા કોરોના દર્દીઓની પણ કાળજી લઇ રહી છે. જ્યારે કોરોના સંક્રમણથી બચવાની તકેદારી રાખી ઘરે પણ પહેલા સ્વચ્છ થયા બાદ દીકરીને સમય આપે છે. દિક્ષિતા સાથે જ CHCમાં કામ કરતી નમ્રતા પટેલ પણ બે દિવસથી નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારમાં કાર્યરત છે. નમ્રતા પણ પોતાની એક વર્ષની દીકરી ક્યારાને ઘરે માતા પાસે મૂકીને પોતાની ફરજ નિભાવી રહી છે.
આ પણ વાંચો: MothersDay: નવા જમાનાની 'મા' એ બદલ્યુંં હિન્દી સિનેમાનું રૂપરંગ
ફરજ પરથી ઘરે પહોંચે, ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય એની તકેદારી રાખે છે માતાઓ
નવસારીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા 108 એમ્બ્યુલન્સની કામગીરી પણ વધી ગઈ છે. 108 એમ્બ્યુલન્સમાં કામ કરતી મહિલા EMT પણ 12થી 15 કલાક ફરજ બજાવે છે. જેમાં નવસારીના જલાલપોરમાં રહેતી EMT હિના પટેલ પોતાના એક વર્ષના દીકરાને પોતાની માતા પાસે મુકીને કોરોના દર્દીઓના જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. સવારથી મોડી રાત સુધી હિના પટેલ 108 એમ્બ્યુલન્સમાં 7થી 8 કોરોના દર્દીઓને ગંભીર અવસ્થામાં નવસારી સિવિલ કે અન્ય હોસ્પિટલોમાં પહોંચાડે છે. જે દરમિયાન 108ના ડોક્ટરોની સલાહ મુજબ કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરો પાડી જીવન આપવાનો પ્રયાસ કરે છે. જો કે આ માતૃ હૃદય પણ સતત પોતાના દીકરાની ચિંતા કરે છે અને ટેક્નોલોજીના યુગમાં વીડિયો કોલ દ્વારા વ્હાલસોયાના ખબર-અંતર જાણી લે છે. ઘણીવાર હિના જ્યારે ઘરે પહોંચે છે, ત્યારે દીકરો સૂઈ ગયો હોય છે. જો કે દીકરાને લાડ લડાવવાનું છોડીને હિના સતત કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે.