- જિલ્લામાં 8 સ્થળે થશે મત ગણતરી
- જિલ્લાની કુલ 238 બેઠાકોનું જાહેર થશે પરિણામ
- EVM ખુલતાં જ જિલ્લાના 575 ઉમેદવારોનું નક્કી થશે ભાવિ
નવસારી: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને હવે 2 માર્ચ મંગળવારે જિલ્લાના 8 સ્થળોએ EVM ખુલતાની સાથે જ મતગણતરી શરૂ થશે. જેની સાથે જ જિલ્લાની કુલ 238 બેઠકો પર 575 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
નવસારી જિલ્લા/તાલુકા પંચાયતોમાં 71.59 ટકા નોંધાયું મતદાન
નવસારી જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, નવસારી-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ હતુ. જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 71.59 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે ગણદેવી નગરપાલિકામાં 74.62 ટકા અને નવસારી-વિજલપોર નગરપાલિકામાં 58.26 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સમગ્ર જિલ્લાની કુલ 238 બેઠકો પર કુલ 575 ઉમેદવારોએ ચૂંટણી ખેલ ખેલ્યો હતો, જેમનું ભાવિ કુલ 2844 EVMમાં કેદ થયું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં 8 સ્થળોએ મતગણતરી કેન્દ્રોમાં EVM સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યાં છે. જે 2 માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યે ખુલતાની સાથે જ મતદારોએ કોના ઉપર પસંદગી ઉતારી જીત આપી છે, એ સ્પષ્ટ થશે.
આઠેય મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી જિલ્લાના 6 તાલુકા મથકોએ અને 2 નગરપાલિકાઓની મતગણતરી શહેરી વિસ્તારમાં થશે. જ્યાં કાયદો વ્યવસ્થા જળવાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ હેતુથી જિલ્લા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 1 પોલીસ અધિક્ષક, 3 નાયબ પોલીસ અધિક્ષક, 11 PI, 25 PSI, 41 SRP જવાનો, 728 પોલીસ જવાનો અને 503 હોમગાર્ડના જવાનો ખડે પગે તૈનાત રહેશે.
અહીં યોજાશે મતગણતરી
તાલુકા પંચાયત | બેઠક | જિલ્લા પંચાયત | બેઠક | સ્થળ |
નવસારી | 16 | નવસારી | 04 | સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય, ચોવીસી |
જલાલપોર | 24 | જલાલપોર | 04 | સંસ્કાર ભારતી હાઇસ્કૂલ, વિજલપોર |
ગણદેવી | 24 | ગણદેવી | 05 | ધ.ના. ભાવસાર કુમાર શાળા, ગણદેવી |
ચીખલી | 28 | ચીખલી | 08 | એમ. આર. દેસાઈ કૉલેજ, ચીખલી |
ખેરગામ | 16 | ખેરગામ | 02 | તાલુકા સેવા સદન, ખેરગામ |
વાંસદા | 28 | વાંસદા | 07 | સરકારી વિનય વાણિજ્ય કૉલેજ, વાંસદા |
- નવસારી-વિજલપોર નગરપાલિકા (13 વોર્ડ, 52 બેઠક)
અગ્રવાલ કૉલેજ, નવસારી
- ગણદેવી નગરપાલિકા (6 વોર્ડ, 24 બેઠક)
ફાયર સ્ટેશન, ગણદેવી