નવસારી: ગાયકવાડી રાજનું નવસારી ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ વિકાસની સાથે શહેરના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યુ છે. શહેરની ટ્રાફિક સમસ્યાના નિયંત્રણ માટે CCTV મુકવાની લાંબા સમયની માંગ વર્ષના પ્રારંભે પુરી થઈ હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સમગ્ર નવસારીમાં ત્રીજુ નેત્ર લગાવવામાં આવતા, શહેરના ટ્રાફિકમાં સુધારો આવવાની આશા સાથે સુરક્ષામાં પણ વધારો થયો છે.
નેત્રમ પ્રોજેકટ ગત્ત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો અને તરત જ કોરોનાનું ગ્રહણ લાગતા બંધ થયો હતો, પરંતુ હવે જ્યારે લોકડાઉન અનલોકમાં ફેરવાયું છે, તો જિલ્લા પોલીસ વિભાગે ત્રીજુ નેત્ર ખોલ્યુ છે અને લોકોને ઘરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમજ માસ્ક નહીં પહેરવા પર પણ ઇ-મેમો પહોંચી રહ્યો છે.
- નવસારી શહેરમાં નેત્રમ પ્રોજેકટ કાર્યરત
- શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટો પર CCTV કેમેરાઓ ગોઠવવામાં આવ્યા
- નેત્રમ પ્રોજેકટ ગત્ત જાન્યુઆરી મહિનામાં શરૂ થયો
- ટ્રાફિક નિયમોના ભંગ બદલ તેમજ માસ્ક નહીં પહેરવા પર પણ ઇ-મેમો
- 4 મહિનામાં કુલ 4,196 ઇ-મેમો ટ્રાફિક નિયમ ભંગ બદલ નવસારીવાસીઓને મોકલાયા
નવસારી શહેરના દરેક મુખ્ય માર્ગો સહિત શહેરના પ્રવેશદ્વાર તેમજ આંતરિક રસ્તાઓ, ચાર કે ત્રણ રસ્તાઓ પર CCTV કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી થાય છે. અહીં 24 કલાક ત્રણ પાળીમાં કુલ 21 તાલીમબદ્ધ પોલીસ જવાનો CCTV કેમેરાઓની મદદથી ટ્રાફિક નિયમ ભંગ કરનારને પકડે છે, ત્યારબાદ નિષ્ણાંત એન્જીનીયરોની ટીમ RTOની સાઇટ પરથી વાહન માલિકની માહિતી મેળવી નિયમ ભંગ અનુસાર દંડ સાથેનો ઇ-મેમો બનાવે છે.
જે સ્પીડ પોસ્ટથી વાહન માલિકના ઘરે પહોંચે છે. નવસારીમાં પ્રોજેકટ શરૂ થયા બાદ જુલાઈ સુધીના 4 મહિનામાં કુલ 4,196 ઇ-મેમો અલગ-અલગ ટ્રાફિક નિયમ ભંગ બદલ નવસારીવાસીઓને મોકલાયા છે. જેમાંથી 2,145 ઇ-મેમો હજી ભરાયા નથી. જેથી અંદાજે 50 ટકા જેટલી રિકવરી બાકી છે. જો કે, મેમો નહીં ભરનારા સામે પણ સખ્ત કાર્યવાહી થઈ શકે છે. નવસારી જિલ્લામાં સૌપ્રથમ સુરક્ષાને ધ્યાને લઇ બીલીમોરા શહેર અને ત્યારબાદ ચીખલી ટાઉન વિસ્તારમાં CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષાએ સાથે ટ્રાફિક નિયંત્રણ માટે નવસારી શહેરમાં નેત્રમ પ્રોજેકટ કાર્યરત થતા લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે સજાગ થઈ રહ્યાં છે.