નવસારીઃ વિદેશી પક્ષી દરિયા કિનારાની શોભા મનાય છે, પરંતુ વાતાવરણની અનિશ્ચિતતા અને ગ્લોબલ વોર્મિંગની અસર પક્ષીઓની સંખ્યા ઘટી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાત કરીએ નવસારી જિલ્લાની. અહીં જલાલપોર તાલુકાના દાંડી વિભાગમાં હજારોની સંખ્યામાં આવતા પક્ષીઓની સંખ્યામાં 80 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. સંખ્યાના આ ઘટાડા પાછળ ગ્લોબલ વોર્મિંગ હોવાનું મનાય છે. ત્યારે હવે પક્ષીપ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો Jamnagar : ઠંડીના ચમકારાને લઈને ચીડિયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા
એક સમયે 1 લાખથી વધુ પક્ષીઓ આવતાઃ આપને જણાવી દઈએ કે, નવસારીથી આશરે 14 કિમી દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે. અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખૂલ્લો વિસ્તાર શિયાળાની મોસમમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો. આજથી 15 વર્ષ અગાઉ અહીં શિયાળાની મોસમમાં 210 પ્રજાતિના 1,00,000થી વધુ પક્ષીઓ આવ્યાનું નોંધાયું હતું, જેમાં દેશી ઉપરાંત માઈગ્રેટેડ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત સમયે આ વિસ્તાર શિયાળામાં પક્ષી અભયારણ્ય બની ગયો હતો અને સરકાર લેવલે તેના વિકાસની પણ વાતો શરૂ થઈ ગઈ હતી.
રાજ્ય પક્ષીઓની સંખ્યા પણ ઘટીઃ જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. પક્ષીઓની સંખ્યા ઘટતી જ ગઈ છે અને આ વર્તમાન વર્ષમાં તો 75 પ્રજાતિના 2,000થી ઓછી સંખ્યામાં પક્ષીઓની ગણતરી થઈ છે. મહત્ત્વની વાત એ છે કે, ભૂતકાળમાં જેને ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે એ ફ્લેમિંગો હજારોની સંખ્યામાં આવતા હતા. તે તો જવલ્લે જ જોવા મળી રહ્યાં છે. કકરાડ કરતા નજીકના સૂલતાનપુર વિસ્તારમાં આ વખતે થોડા પક્ષીઓ દેખાઈ રહ્યા છે, પરંતુ જેની સંખ્યા ખૂબ ઓછી છે.
વિદેશી પક્ષીઓ પણ ઘટ્યાઃ એક સમયે ગુજરાતના બીજા નળ સરોવર તરીકે પ્રખ્યાત થયેલો જિલ્લાનો કાંઠા વિસ્તાર ખાસ કરીને વિદેશી પંખીઓ માટે ખૂબ પ્રચલિત હતો. પંખીઓ ઓછું થવાનું મુખ્ય કારણ અહીંયા પાણીનો સંગ્રહ થવો શક્ય નથી. વિદેશી પક્ષીઓ માટે વધુ નહીં પણ 1થી સવા ફૂટ પાણી હોવું જરૂરી છે, જેથી આવા પાણીમાં ઘણાં બધા નાનામોટા જીવજંતુઓ અહીં ઉત્પન્ન થાય છે, જે પક્ષીઓ માટે ખોરાક બને છે. કેટલાય સમયથી કકરાડ પંથકમાં ખાસ પાણી જ રહેતું ન હોવાથી પક્ષીઓ માટે ખોરાક વધુ મળતો નથી. એટલે તેઓની સંખ્યામાં પણ દિવસે અને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.
વર્ષોથી નવસારી જિલ્લાના દરિયાકિનારે મહેમાન બનીને આવતા પક્ષીઓ નવસારી જિલ્લાના પક્ષી પ્રેમીઓ માટે નવલું નજરાણું બન્યા હતા. જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર આટ દાંડી જેવા દરિયા કિનારાના ખાંજણ વિસ્તારમાં પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હતા અને એ વિસ્તારને બોર્ડ સેન્ચ્યૂરી તરીકે વિકસાવવા માટે પણ વનવિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો સંગ્રહ અને વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોને કારણે આ વિદેશી મહેમાનોને આવતા બંધ કર્યા છે, જે જિલ્લા માટે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ફરી આ મહેમાનોને કેવી રીતે બોલાવવા એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.