નવસારીઃ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વર્ષ 1930માં અમદાવાદથી દાંડી કૂચ શરૂ કરી હતી. મહાત્મા ગાંધીજીએ મીઠું પકવવાના સરકારના કાયદાનો દાંડી યાત્રાથી ભંગ કર્યો હતો. મહાત્મા ગાંધીજીની દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહને કારણે નવસારીનું દાંડી સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું હતું. દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક બન્યા પછી અહીં પ્રવાસીઓની સંખ્યામાં અધધ વધારો થઈ રહ્યો છે. તેવામાં દાંડી હવે ફરી ચર્ચામાં આવ્યું છે.
આ પણ વાંચો અમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે
હેરિટેજ માર્ગને પહોળો કરવાની માગ ઊઠીઃ દાંડીમાં પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે નવસારીના એરૂ ચાર રસ્તાથી દાંડી સુધીના 14 કિલોમીટરના સાંકડા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. આના કારણે અકસ્માતો પણ નોંધાઈ રહ્યા છે. જેમાં ઘણી વાર માનવ અને પ્રાણીઓએ જીવ પણ ગુમાવવો પડે છે. ત્યારે દાંડી સુધીના આ સાંકડા હેરિટેજ માર્ગને પહોળો કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ગ્રામીણો નિરાશઃ મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કરી મીઠાના કાળા કાયદાને તોડ્યો હતો. મહાત્માના આ સત્યાગ્રહના કારણે નવસારીનું નાનુ અમથું દાંડી વૈશ્વિક ફલક પર પહોંચ્યું છે. ભારત સરકારે 4 વર્ષ અગાઉ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કર્યું હતું. ત્યારથી અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. એટલે હવે એરૂ ચાર રસ્તાથી દાંડી સુધીના નેશનલ હાઇવે નંબર 64, જેને હેરિટેજ માર્ગ જાહેર કરાયો છે,. એના ઉપર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે. આ હેરિટેજ માર્ગ હોવાના કારણે લાંબા સમયની ગ્રામીણોની રજૂઆતો બાદ પણ આ 14 કિલોમીટરનો રસ્તો પહોળો થતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆતો બાદ પણ રસ્તો ન બનતા ગ્રામીણો નિરાશ થયા છે.
અહીં અકસ્માતોની સંખ્યા વધી રહી છેઃ એરૂ ચાર રસ્તાથી દાંડી સુધીનો સાંકડો માર્ગ અને વાહનોની ઝડપ અકસ્માતને નોતરે છે. તેમાં ઘણી વાર લોકોએ જીવ પણ ગુમાવવા પડે છે. મીઠાના સત્યાગ્રહ સ્મારકના આંકડા ઉપર ધ્યાન આપીએ તો, રોજના અહીં 1,500થી વધારે પ્રવાસીઓ આવે છે. જ્યારે શનિવાર, રવિવાર કે રજાના દિવસોમાં સંખ્યા 5,000થી વધુ પ્રવાસીઓ અહીં આવે છે. જ્યારે દરિયા કાંઠે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ત્યારે ટ્રાફિકના ભારણને ઓછું કરવા સરકાર એરૂ ચાર રસ્તાથી દાંડી સુધીના માર્ગ પર વચ્ચે ડિવાઇડર મૂકી ચાર માર્ગીય બનાવે એવી માગ ગાંધીવાદીઓ પણ કરી રહ્યા છે, જેથી દાંડી આવતા પ્રવાસીઓને પણ સરળતા રહે અને અકસ્માતોને પણ ઘટાડી શકાય.
વાઈલ્ડ લાઈફ વિજ્ઞાન વિભાગે કર્યું હતું રિસર્ચઃ નવસારી કૃષિ યુનિવર્સિટીની વન્ય કૉલેજના વાઈલ્ડ લાઈફ વિજ્ઞાન વિભાગ દ્વારા ગત વર્ષે કરાયેલા એક રિસર્ચ અનુસાર દાંડીના હેરિટેજ માર્ગ પર શનિ રવિ અને રજાના દિવસોમાં 1,000થી વધુ વાહનોની અવરજવર રહે છે અને આ વાહનોની એવરેજ સ્પીડ પણ પ્રતિ કલાક 65 થી 70 કિલોમીટર નોંધાઈ છે. જેમાં માત્ર છ મહિનાના ગાળામાં 70 પ્રાણીઓ અકસ્માતનો ભોગ બન્યા અને મોતને ભેટ્યા હતા. જેમાં વધારે સરીસૃપ અને પશુઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં વાહનો અને તેની ઝડપ જો રસ્તા ઉપર રહે તો પ્રાણીઓની સાથે માનવ પણ અકસ્માતનો ભોગ બન્યા વગર રહેતો નથી અને ઘણીવાર મોતને પણ ભેટે છે. ત્યારે એરૂ ચાર રસ્તાથી દાંડી સુધીના સાંકડા માર્ગને પહોળો કરવાની વધુ જરૂરિયાત હોવાનું ફોરેસ્ટના નિષ્ણાંતો માની રહ્યા છે.
માર્ગ પહોળો કરવા સમયની માગઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટી બન્યા બાદ સરકાર દ્વારા તેના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ લાવવા સાથે રસ્તાઓને પણ પહોળા કર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની આઝાદીના પ્રવેશદ્વાર સમા દાંડી મીઠાના સત્યાગ્રહને જાણવા દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દાંડીના વિકાસને વેગ આપવા સાથે અકસ્માતો ટાળવા 14 કિલોમીટરના સાંકડા હેરિટેજ માર્ગને પહોળો બનાવે, એ જ સમયની માગ છે.