- નવસારી નગરપાલિકા, હાઈસ્કુલમાં વેક્સિન ન મળતા લોકોએ કર્યો હોબાળો
- વિરોધ વધતા અધિકારીએ પોલીસ બોલાવી
- 13 હજારની સામે 10 ટકા જ જથ્થો આવતા સર્જાઈ સમસ્યા
નવસારી: ભારત સરકારે મોટા ઉપાડે 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફત કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારીમાં પણ રોજના અંદાજે 13,000 લોકોને વેક્સિન આપવામાં આવે છે, પરંતુ ગતરોજ વેક્સિનનો પૂરતો જથ્થો ન પહોંચતા નવસારીમાં આજે સવારથી ઉભેલા લોકોને વેક્સિન મળી ન હતી. જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. વિરોધ વધતા પોલીસ બોલાવવી પડી હતી. જોકે, સમગ્ર મુદ્દે સરકારમાંથી જ વેક્સિનના ઓછા ડોઝ મળ્યા હોવાથી વેક્સિનની કામગીરી અટકી હોવાનો રાગ આરોગ્ય વિભાગે ગાયો હતો.
સવારથી વેક્સિન લેવા લાઇન લગાવી ઉભેલા લોકોએ કર્યો હોબાળો
કોરોના મહામારી સામે કોરોનાની વેક્સિન બ્રહ્માસ્ત્ર સાબિત થાય એમ છે. જેથી સૌથી વધુ લોકો વેક્સિન મેળવે એ હેતુથી ભારત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત કરી, વેક્સિનેશન મહાઅભિયાન( vaccination campaign ) છેડયું છે. પરંતુ અભિયાન શરૂ થયાના થોડા દિવસોમાં જ પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ન મળતા વેક્સિનેશનની કામગીરી અટવાઈ રહી છે. નવસારી જિલ્લામાં પણ આજે અંદાજે અઢીથી ત્રણ હજાર વેક્સિનના ડોઝ મળ્યા હતા.
આ પણ વાંચો: Corona Vaccination: રાજકોટમાં 400 વિદ્યાર્થિનીએ પરિવાર સાથે કોરોનાની વેક્સિન લીધી
વેક્સિનેશન સેન્ટરો પર લાઈન લગાવીને ઉભા રહેલા નાગરિકોને વેક્સિન મળી ન હતી
જેના કારણે જિલ્લાના ઘણા વેક્સિનેશન સેન્ટરો પર લાઈન લગાવીને ઉભા રહેલા નાગરિકોને વેક્સિન મળી ન હતી. નવસારી વિજલપોર શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલી નવસારી નગરપાલિકા હાઇસ્કુલમાં ચાલતા વેક્સિનેશન કાર્યક્રમમાં પણ સવારથી મોટી સંખ્યામાં 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિન લેવા પહોંચ્યા હતા. પરંતુ વેક્સિનનો જથ્થો પુરતો ન હોવાને કારણે ઘણા લોકો વેક્સિનથી વંચિત રહેતા હોબાળો મચાવ્યો હતો. વિરોધ વધતા વેક્સિનેશનની કામગીરી કરતા અધિકારીઓએ ટાઉન પોલીસને બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વિરોધ કરનારાઓને સમજાવીને મામલો થાળે પાડયો હતો.
આ પણ વાંચો: Vaccination at Airport: વડોદરામાં એરપોર્ટ પર કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન
સરકારમાંથી જ વેક્સિનનો ઓછો જથ્થો મળ્યો - આરોગ્ય વિભાગ
નવસારી જિલ્લામાં ઓછા વેક્સિનના જથ્થાને કારણે જિલ્લાના 100 રસીકરણ કેન્દ્રો ઉપર મહાઅભિયાનની ગાડીને બ્રેક લાગી હતી. જોકે વેક્સિન ન મળવા મુદ્દે આરોગ્ય વિભાગે સરકાર પર ખો આપી છે. આરોગ્ય વિભાગ અનુસાર રાજ્ય સરકારમાંથી જ વેક્સિનનો ઓછો જથ્થો આવવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લામાં રોજના અંદાજે 13,000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે, પરંતુ વેક્સિન ન હોવાને કારણે આજે મુશ્કેલી સર્જાઇ હતી. સમગ્ર મુદ્દે ઇન્ચાર્જ વેક્સિનેશન અધિકારીએ ઉપલા અધિકારીઓને તેમજ ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ સરકારમાં પૂરતો વેક્સિનનો જથ્થો મળે એવી માંગણી કરી છે. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા સરકારમાંથી પૂરતા પ્રમાણમાં વેક્સિન મળતા વેક્સિનેશન અભિયાનને વેગ આપવાની તૈયારી દર્શાવી છે.