- ભાજપના 66 પદાધિકારીઓ 7 ફેબ્રુઆરીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં થશે હાજર
- કોંગ્રેસમાં 3 પદાધિકારીઓ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રહેશે ઉપસ્થિત
- નવસારી-વિજલપોરના 13 વોર્ડ માટે બંને પક્ષો પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા બાદ જાહેર કરશે ઉમેદવારો
નવસારી : જિલ્લાના વિજલપોર નગર પાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારો કોણ હશે, એની તૈયારી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ શરૂ કરી છે. જેમાં નવસારી અને વિજલપોર બંને પાલિકાઓમાં ભાજપનું રાજ હતું. જેથી ભાજપમાં ટિકીટવાંચ્છુઓની સંખ્યા 4 ગણી વધુ છે, જ્યારે કોંગ્રેસમાં બેઠકો કરતા ડબલથી વધુ દાવેદારો છે.
ચર્ચા વિચારણા બાદ 238 ઉમેદવારોના નામ જાહેર કરાશે
નવસારી-વિજલપોર પાલિકા સહિત નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો મળીને કુલ 717 ભાજપીઓએ નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવી હતી. ત્યારબાદ જિલ્લા મોવડી મંડળ અને પ્રદેશ સુધી પોતાના તાર જોડી ટિકિટ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત સાંસદ, ધારાસભ્યો અન્ય પદાધિકારીઓ અને નિરીક્ષકો મળી 66 સભ્યોનું પ્રતિનિધિ મંડળ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ હાજર થશે. જ્યાં પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા વિચારણા બાદ 238 ઉમેદવારોના નામ જાહેર કરાશે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વિરોધને નાથવા મેરીટ આધારે ઉમેદવાર નક્કી કરાશે મહાનગરપાલિકાઓમાં ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપી કાર્યકરોએ ઘણો બળાપો કાઢ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું કે,નવસારીમાં હોબાળો ન થાય એનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરાવામાં આવશે. તો સાથે જ કાર્યકરોની કામગીરી અને સમાજમાં તેમની છાપ જેવા મુદ્દાઓને ધ્યાને રાખી મેરીટને આધારે ઉમેદવારી અપાશે. જે વોર્ડમાં રહેતા હશે એજ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે.
કોંગ્રેસના ઉમેદવારો 8 ફેબ્રુઆરીએ થશે ફાઇનલ નવસારી જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતો તેમજ નવસારી-વિજલપોર પાલિકા તથા ગણદેવી નગરપાલિકાની કુલ 238 બેઠકો માટે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ફાઇનલ કરવાની તૈયારી આરંભી છે. જેમાં નવસારી, જલાલપોર અને ગણદેવીમાં કોંગ્રેસને ઉમેદવારોની પસંદગી કરવામાં સહેલાઇ રહેશે, જ્યારે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની 17 બેઠકો પર કોંગ્રેસનો દબદબો રહેવાને કારણે ટિકીટવાંચ્છુઓની સંખ્યા પણ વધુ હોવાથી મોવડી મંડળે થોડી વધુ મથામણ કરવી પડશે. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ અને નિરીક્ષકો જ 8 ફેબ્રુઆરીએ પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડમાં ઉપસ્થિત રહી ભાવી ઉમેદવારો ફાઇનલ કરાવશે.
કોણ કોના માટે પડકારરૂપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને પડકારરૂપ ગણતું જ ન હોવાની વાત જિલ્લા ભાજપ પ્રમુખે કરી હતી. તો સાથે જ જિલ્લા-તાલુકા પંચાયતો સહિત બંને પાલિકાઓમાં પણ બોર્ડ ભાજપનું બનશેનો દાવો કર્યો છે. જોકે ગત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની સામે કોંગ્રેસ બરાબર સાબિત થઈ હતી. જેમાં ત્રણ તાલુકા પંચાયતોમાં ભાજપ, તો ત્રણ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ સત્તામાં હતી. જ્યારે જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસે 30 માંથી 13 બેઠકો મેળવી હતી. જોકે નવસારી-વિજલપોર નગરપાલિકાની વાત કરીએ, તો શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયકે પાલિકાના 10 વોર્ડમાં જીત મેળવવાનો અને બોર્ડ લાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.