- કોરોના સંક્રમણ વધતા મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય
- શિવ ભક્તો મહાદેવના દર્શન ઓનલાઇન કરી શકશે
- જલારામ મંદિર અને ગાયત્રી મંદિર પણ 30 એપ્રિલ સુધી ભક્તો માટે બંધ
નવસારી : જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે. જેમાં બીલીમોરા શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન અને રાત્રી કરફ્યૂ લગાવાયો છે. જેની સાથે જ મંદિરોમાં ભક્તોની અવરજવર કોરોના સંક્રમણ વધારી શકે તેવી ભીતિને લઈ, આજે બુધવારથી બીલીમોરાના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરને પણ અચોક્કસ મુદ્દત સુધી શિવ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે ભોળાનાથના દર્શન ભક્તો ઓનલાઇન કરી શકશે.
આ પણ વાંચો : જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર રવિવારથી ભાવિકો માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય
કોરોનાએ ભક્ત અને ભગવાન વચ્ચે પણ અંતર વધાર્યું
નવસારી જિલ્લામાં વધતા કોરોનાની સાંકળ તોડવી જરૂરી બની છે, ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શનિ- રવિ અથવા રવિ- સોમ બજારોને સ્વૈચ્છિક બંધ રાખી, રાત્રી દરમિયાન પણ સ્વૈચ્છિક કરફ્યૂની અમલવારી શરૂ કરાઇ છે. તેમ છતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. નવસારીમાં છેલ્લા અઠવાડિયાના કોરોનાના આંકડા ઉપર નજર કરીએ તો 241 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેથી જિલ્લાના સુપ્રસિદ્ધ મંદિર પણ રાજ્યના મોટા મંદિરોની જેમ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ભગવાન શંકરની આરતીના દર્શન પણ ઓનલાઇન થઇ શકશે
નવસારીના બીલીમોરામાં પૌરાણિક અને પ્રસિદ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરને શિવભક્તો માટે આજે બુધવારથી અચોક્કસ મુદ્દત સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. જેની માહિતી આપતા બેનર મંદિરના મુખ્ય દરવાજા પાસે લગાવી દેવામાં આવ્યા છે. જોકે ભક્ત અને ભગવાન વચ્ચે અંતર પડ્યું હોવા છતાં, શિવભક્તો ભોળાનાથના દર્શન ઓનલાઈન કરી શકશે. મંદિરમાં મહાદેવની પૂજા- અર્ચના રાબેતા મુજબ પૂજારીઓ દ્વારા થશે. સાથે જ ભગવાન શંકરની આરતીના દર્શન પણ ઓનલાઇન થઇ શકે એવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો : વધતા કોરોના સંક્રમણના કારણે સાંકરીનું સ્વામિનારાયણ મંદીર દર્શન માટે કરાયું બંધ
સોમનાથ મંદિર આસપાસના મંદિરો પણ ભક્તો માટે બંધ કરાયા
બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શિવભક્તો માટે બંધ કરાયું છે. જેની સાથે જ સોમનાથની બાજુમાં આવેલા જલારામ બાપા મંદિર અને તેની સામે આવેલા ગાયત્રી માતાજી મંદિરને પણ આજથી 30 એપ્રિલ સુધી ભક્તો માટે બંધ કરાયા છે. અહીં પણ મંદિરમાં પૂજારી દ્વારા પૂજા અર્ચના થશે. પરંતુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, જ્યાં માનવી-માનવી વચ્ચે અંતર રાખવું જરૂરી બન્યું છે, ત્યાં હવે ભગવાને પણ અંતર જાળવી ભક્તને બચાવવાના પ્રયાસ કર્યા હોય એવી લાગણી ભક્તોમાં ઉઠી છે.