નવસારીઃ જોખમી રીતે બાઈક ચલાવવાનો ક્રેઝ જાણે વકરતો હોય તેમ એક પછી એક બાઈક સ્ટંટના વીડિયો સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ એક યુવતી દ્વારા ચાલુ બાઈકે સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ કરાયો હતો. આ યુવતીની ધરપકડ નવસારી ટ્રાફિક પોલીસે કરી હતી. હવે ત્રણ યુવાનો દ્વારા જોખમી રીતે બાઈક ચલાવવું, ચાલુ બાઈકે સ્ટંટ કરવો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા શહેર ટ્રાફિક વિભાગને આ બાબતે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. નવસારી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જોખમી સ્ટંટ કરનાર બીલીમોરાના 3 યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
ટુવ્હીલરના શો રૂમના એમ્પલોઈઝ હતાઃ ત્રણેય આરોપીઓ બીલીમોરા ખાતે ઋષભ ઈ-બાઈક નામના શો રૂમમાં નોકરી કરે છે. તેઓ સુરતથી ત્રણ નવા ઈ-બાઇક બીલીમોરા ખાતેના શો રૂમમાં પહોંચાડી રહ્યા હતા.તે દરમિયાન નવસારીથી ગણદેવી જતા માર્ગ ઉપર આ ત્રણેય યુવાનો આર્યન સોલંકી, હર્ષ પટેલ અને સુરજ ચૌહાણે જોખમી ટુવ્હીલર સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટને પરિણામે તેમણે પોતાનો અને અન્ય મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો. તેઓ એટલી લાપરવાહીથી ટુવ્હીલર ચલાવતા હતા કે અકસ્માત થવાની સંભાવનાઓ અનેકગણી વધી ગઈ હતી. તેમની પાછળ જઈ રહેલા વાહન ચાલકે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ગઈ તારીખ 28 ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણ યુવાનો જોખમી રીતે બાઈક ચલાવતા હતા. વીડિયોના સંદર્ભે ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરતા સીસીટીવીના આધારે બીલીમોરાના આ ત્રણેય યુવાનોને ઝડપી લીધા હતા...એસ. કે. રાય(નાયબ પોલીસ અધિક્ષક, નવસારી)
યુવાનોમાં મેસેજ જાય તે જરૂરીઃ નવસારી ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ જાગૃત જોષીએ આ બાબતે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ કરી તાત્કાલિક આ યુવાનોની ઓળખ કરી અને ધરપકડ કરી લીધી હતી. આ યુવાનો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના પરિણામે જોખમી બાઈક ચલાવનારા યુવાનો અને યુવતીઓમાં એક મેસેજ જાય કે આપણી આવી હરકતોથી આપણો કે કોઈકનો જીવ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે.