- અજાણ્યા તીખળખોરે ટ્રેક પર એંગલ મુક્યો હોવાનું રેલવે પોલીસનું પ્રાથમિક અનુમાન
- રેલવેનો ટેક્નિકલ સ્ટાફ ટ્રેનની સ્પીડ માટે વપરાતો એંગલ ભુલ્યો હોવાનુ જણાયુ
- પોલીસે ગેંગમેનની ફરિયાદને આધારે તપાસને વેગ આપ્યો
નવસારી: ગાંધી સ્મૃતિથી નવસારી રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડની એંગલ મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા રેલવે પોલીસ દોડતી થઈ હતી. ટ્રેક પર એંગલ હોવાનું માલગાડીના ચાલકને ધ્યાને આવતા, તેણે રેલવે માસ્તરને જાણ કરી હતી. તેમણે તાત્કાલિક મેમુ ટ્રેનને અટકાવી, એંગલ હટાવ્યા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી. જો કે, રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રિકોણાકાર એંગલ ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે ભુલી ગયા બાદ, કોઈકે એંગલ મુકી હોવાનું અનુમાન લગાવાયુ છે.
આ પણ વાંચો- નવસારી નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું: ડ્રાઇવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી
ત્રિકોણાકાર એંગલ ટ્રેકના જોઈન્ટ પર હોવાથી ટ્રેનના ડબ્બા પલટી જવાની હતી સંભાવના
ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનથી નવસારી રેલવે સ્ટેશન વચ્ચે બપોરના સમયે રેલવે ટ્રેક પર લોખંડની એંગલ હોવાનું જણાતા માલગાડીના ચાલકે તાત્કાલિક નવસારી રેલવે માસ્તરને જાણ કરી હતી. જેની સાથે જ એક્ટિવ થયેલા રેલવે તંત્રએ રેલવે પોલીસને જાણ કરવા સાથે ટેક્નિકલ સ્ટાફને ઘટના સ્થળે દોડાવ્યો હતો. ઘટના સ્થળે પોલીસ અને ટેક્નિકલ સ્ટાફ પહોંચતા, ત્યાંથી એક ત્રિકોણાકાર લોખંડની એંગલ રેલવે ટ્રેકના જોઈન્ટ પર મુકેલી હતી.
એંગલ હટાવ્યા બાદ મેમુ ટ્રેનને આગળ રવાના કરાઇ
રેલવે પોલીસે ગેંગમેન સુબોધ મહેશ્વરીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. બીજી તરફ એજ સમયે મેમુ ટ્રેનનો આવવાનો સમય હોવાથી રેલવે તંત્રએ મેમુને અટકાવી દીધી હતી અને એંગલ હટાવ્યા બાદ મેમુ ટ્રેનને આગળ રવાના કરી હતી. જેથી માલગાડીના ચાલકની સમય સુચકતાને કારણે મોટી હોનારત ઘટતા રહી ગઈ હતી.
લોખંડની એંગલ રેલવેના ટેક્નિકલ સ્ટાફ ઉપયોગ કરતા હોવાનું ખુલ્યુ
રેલવે સ્ટેશન વચ્ચે મળેલી લોખંડની ત્રિકોણાકાર એંગલ રેલવેનો ટેક્નિકલ સ્ટાફ કામગીરી દરમિયાન ઉપયોગ કરતો હોવાનું રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. લોખંડની ત્રિકોણાકાર એંગલ પર ટેક્નિકલ સ્ટાફ ત્રણની સ્પીડ 20કે 40 રાખવી એવું લખીને એને ટ્રેક પર જ્યાં કામ કરતા હોય, ત્યાંથી અંદાજે 5 કિમી અંતરે મુકતા હોય છે.
આ પણ વાંચો- પાકિસ્તાનમાં ટ્રેન દુર્ધટના: 30ના મોત, 50થી વધુ ઇજાગ્રસ્ત
પોલીસે લોખંડની ત્રિકોણાકાર એંગલ પણ કબ્જે કરી છે
જે પ્રકારની એંગલ કામગીરી દરમિયાન ટેક્નિકલ સ્ટાફ ભુલી ગયા હોય અને ત્યારબાદ કોઈ અજાણ્યાએ તેને ટ્રેકના જોઈન્ટ પર મુકી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે. જો કે, સમગ્ર મુદ્દે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે અને પોલીસે લોખંડની ત્રિકોણાકાર એંગલ પણ કબ્જે કરી છે.