- સુરતના સાંસદ દર્શના જરદોશ દ્વારા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું
- 5 ભાગોમાં વહેંચાયેલા પ્રદર્શનમાં આઝાદી સમયના ફોટોગ્રાફ્સ રજૂ કરાયા
- 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધી પ્રદર્શન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું
નવસારી: ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડીકૂચને સરકારે ફરી જીવંત કરી છે. દાંડીકૂચ નવસારીના ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારક ખાતે પહોંચે એ પૂર્વે સ્મારક પરિસરમાં પોતાનું મહામૂલું યોગદાન આપનારા આઝાદીના લાડવૈયાઓની ઝાંખી કરાવતા અલભ્ય ફોટો પ્રદર્શનનો સુરતના સાંસદ દર્શના જારદોશને હસ્તે પ્રારંભ થયો છે. જે આગામી 5 એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે.
આ પણ વાંચો: દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી
આઝાદીની ચળવળના તમામ લડવૈયાઓનો પ્રદર્શનમાં સમાવેશ
દાંડીકૂચ નવસારી પહોંચે એ પૂર્વે ઐતિહાસિક દાંડીના મીઠાના સત્યાગ્રહ સ્મારક પરિસરના વર્કશોપમાં પ્રાદેશિક લોક સંપર્ક બ્યુરો દ્વારા દાંડીકૂચ દરમિયાનના અલભ્ય ફોટોગ્રાફ્સ સહિત સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તેમજ આઝાદીની લડાઈમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા તમામ સ્વતંત્રતા સેનાનીઓથી લોકો વાકેફ થાય તે હેતુથી ચિત્ર પ્રદર્શન યોજયું છે. જેનો પ્રારંભ સુરતના સાંસદ દર્શના જારદોશના હસ્તે કરાવવામાં આવ્યો છે. પ્રદર્શન આગામી 5 એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.
આ પણ વાંચો: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આગામી 12 માર્ચથી દાહોદમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
ચિત્ર પ્રદર્શન સાથે પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન
આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે યોજાયેલા ચિત્ર પ્રદર્શન સાથે મહાત્મા ગાંધીજીની જીવની અને આઝાદી દરમિયાનના ઇતિહાસ સાથે સંકળાયેલા પુસ્તકો તેમજ મેગેઝીનોનું પુસ્તક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે.