નવસારીઃ વાંસદાના ધારાસભ્ય અનંત (MLA Anant Patel Protest) પટેલ પર ખેરગામ બજારમાં થયેલા હુમલાને પગલે યોગ્ય તપાસ ન કરાતા અનંત પટેલ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત (Rajasthan CM Ashok Gehlot) પણ રેલીમાં જોડાયા હતા. વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ગત તારીખ 8મી ઓક્ટોબરના રોજ ખેરગામ ગામના બજારમાં હુમલો થયો હતો. જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.
આક્રોશ રેલીઃ જેના ભાગરૂપે અનંત પટેલ દ્વારા આજે લુંસીકુઈ પાસે આદિવાસી આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાના સમર્થનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત કોંગ્રેસ સંગઠનમાં પ્રભારી રઘુ શર્મા સહિત અન્ય આગેવાનોએ લુંસીકુઈમાં સભા સંબોધી હતી. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતએ ધારાસભ્ય પર થયેલા હુમલામાં જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયની હુમલા પ્રકરણમાં કામગીરી સામે સીધા પ્રહાર કર્યા હતા.
રાજીનામાની માંગઃ આ સાથે એમના રાજીનામાની જાહેરમાં માંગ કરી હતી.ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસ અગ્રણી ગૌરવ પંડ્યા પર 307 ની કલમ પોલીસે લગાવતા અશોક ગહેલોત સરકાર પર વરસી પડ્યા હતા. રાજ્યમાં ધારાસભ્યો જ સુરક્ષિત ન હોય તો જનતાની કેટલી સુરક્ષિત છે તેને લઈને પણ ચાબખા માર્યા હતા. આ વખતની વિધાનસભામાં ભાજપની સરકાર ગભરાઈ હોય તેમ વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા માટે ગુજરાત રાજ્યમાં વારંવાર શું કામ આવી રહ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ગઢ નવસારી જિલ્લામાં અશોક ગેહલોતએ શહેરમાં સભા સંબોધીને ભાજપને ટાર્ગેટ કરી હતી.
કેજરીવાલ પર વારઃ ગહેલોતે કેજરીવાલના ચલણી નોટના મુદ્દાને પણ કેન્દ્રમાં રાખી ઉધડો લેતા જણાવ્યું કે, દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર ગાંધીજીને ચલણી નોટ પરથી કઈ રીતે કાઢી શકાય. ગુજરાતમાં આમ આદમી પાર્ટી કયા મોઢે ચૂંટણી પ્રચાર કરવા આવી રહી છે.