નવસારી : ગુજરાતમાં વિકાસની વાતોને પડકારતો એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામના યુવકનું સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયું હતું. સારવાર મળવામાં મોડું અપૂરતી પ્રાથમિક સુવિધાના અભાવથી થયું છે. ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ આવી શકે તેમ નહોતી. ત્યારે આશરે દોઢ કિમી સુધી યુવકને ઝોળીમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.
કરુણ બનાવ : આ બનાવ સાંભળીને કોઈ ફિલ્મની કથા જેવું લાગશે, પરંતુ આ બનાવ હકિકતમાં વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામમાં બન્યો છે. ખાટાઆંબા ગામના બાબુનીયા ફળિયાના યુવાનની તબિયત લથડતાં એમ્બ્યુલન્સ બોલાવી હતી. જોકે કમનસીબી એવી કે રસ્તાના અભાવે ઘર સુધી એમ્બ્યુલન્સ નહીં આવી શકતા યુવાનને ઝોળી કરી અંદાજે દોઢ કિલોમીટર સુધી પગપાળા લઈ જવામાં આવ્યો હતો. મહા મહેનતે એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા બાદ ત્યાંથી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ યુવાનના શ્વાસ થંભી ગયા હતા. આ વાત અહીં ન અટકતા હદ તો ત્યારે થઈ કે, લાકડાના સહારે ઝોળી બનાવી યુવાનના મૃતદેહને ગામમાં પરત લાવવામાં આવ્યો હતો. ત્યારે આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં વિકાસની ઠેકડી ઉડાવતી આ ઘટનાથી ગ્રામજનોને તંત્ર પ્રત્યે રોષની લાગણી જન્મી છે.
આ ફળિયા તરફ જતા જર્જરીત માર્ગની મૌખિક રજૂઆત ગ્રામ સભામાં તાલુકા પંચાયતના સ્વાગત કાર્યક્રમમાં ઓનલાઇન કરી હતી. પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો નથી. પરંતુ વહીવટી તંત્રને અમારી એટલી રજૂઆત છે કે, આ રસ્તો તાત્કાલિક બનાવવા આવે જેથી આવી અનિચ્છનીય ઘટના બીજી વાર ન બને. -- સ્થાનિક આગેવાન
પ્રાથમિક સવલતોનો અભાવ : વાંસદા તાલુકાના અનેક ગામો અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે. આ ગામોને વાંસદા મુખ્ય મથક સાથે જોડતા કુલ 50 થી વધુ કાચા રસ્તાઓ છે. પરંતુ આઝાદીના સમયથી હજુ પણ આ રસ્તા ડામરના બની શક્યા નથી. ત્યારે આ મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે હૈયા વરાળ ઠાલવી હતી. બોર્ડર વિલેજ સહિતના અને ગામો કે જે ડુંગરાળ વિસ્તાર પાસે હોવાને કારણે ગામ મુખ્ય માર્ગથી અંદર હોય છે. આવી આકસ્મિક સ્થિતિમાં દર્દીઓ મોત સાથે મલયુદ્ધ લડે છે. તેમને હોસ્પિટલ સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપવું પડે છે.
પાકા રસ્તા ક્યારે બનશે ? સ્થાનિક લોકોના મતે આંતરિક રસ્તા પાકા બનાવવામાં આવે તો એમ્બ્યુલન્સ સહિતના અન્ય મોટા વાહન જીવ બચાવવા માટે ગામ સુધી આવી શકે છે. પરંતુ કાચા રસ્તા પરથી પગપાળા જ જવું પડે તેવી દયનીય સ્થિતિમાં અહીંયા ગ્રામજનો મુશ્કેલી સાથે જીવન જીવી રહ્યા છે. અસુવિધાને કારણે અનેક દર્દીઓ હોસ્પિટલના બિછાને પહોંચે ત્યાં સુધીમાં દમ તોડી નાખે છે. ખાટાઆંબા ગામના બાબુનીયા ફળિયામાં 12 થી 15 જેટલા ઘર આવેલા છે. જ્યાં આઝાદીના સમયથી પાકા રસ્તાની કોઈ જ વ્યવસ્થા આજદિન સુધી થઈ નથી. જેની મૌખિક રજૂઆત અવારનવાર થઈ છે.
ખાટાઆંબા ગામના બાબુની આ ફળિયાના રસ્તા માટેની કોઈપણ રજૂઆત અમારી સમક્ષ આવી નથી કે અમારા ધ્યાને આવી નથી. તેમ છતાં પણ આવી કોઈ રજૂઆત આવશે તો અમે ઉપલા લેવલે સુધી આ રજૂઆતને પહોંચાડી આગળની કાર્યવાહી કરીશું. -- નાયબ કાર્યપાલક એન્જિનિયર, માર્ગ મકાન વિભાગ
ગ્રામજનોની માંગ : હાલ આ ફળિયામાં રહેતા 30 વર્ષીય યુવક વિપુલભાઈએ ઘરકંકાસથી કંટાળી ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમની તબિયત બગડતા હાલત ગંભીર થઈ ગઈ હતી. ગ્રામજનોએ હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સને જાણ તો કરી હતી. પરંતુ રસ્તો કાચો હોવાથી એમ્બ્યુલન્સ સમયસર આવી ઘર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાને કારણે ગ્રામજનોએ સમય વેડફ્યા વગર બામ્બુના દંડા પર ઝોળી બનાવી હતી. આમ યુવકને તાત્કાલિક મુખ્ય રસ્તા સુધી પહોંચાડ્યો હતો. જેમાં દોઢ કિલોમીટરનું અંતર પગપાળા ચાલીને કાપવું પડ્યું અને લાંબો સમય વેડફાયો હતો.
વર્ષો જૂની સમસ્યા : વિપુલભાઈને એમ્બ્યુલન્સમાં વાંસદા કોટેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ રસ્તામાં બોરિયાચ ગામમાં તેમણે દમ તોડી દીધો હતો. યુવાનને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દેતા પરિવાર તેમજ મિત્રોને જીવ ન બચાવી શકવાનો વસવસો સતાવી રહ્યો છે. ગ્રામજનો યુવાનના મોત મામલે મુખ્ય કારણ રસ્તો હોવાનું માની રહ્યા છે. જો પાકો રસ્તો હોત તો 108 એમ્બ્યુલન્સ ઘર સુધી આવી હોત અને તાત્કાલિક યુવકને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હોત. જેમાં સંભાવના રહેલી હતી કે, યુવાન બચી ગયો હોત. વાંસદા તાલુકાના કેટલાય ગામો ઉનાળામાં પાણી અને રોડ રસ્તા જેવી અનેક પ્રાથમિક સવલતો માટે વર્ષોથી વલખા મારી રહ્યા છે.