- સુરખાઈમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયુ કિસાન સંમેલન
- 3 જિલ્લાના 400 ખેડૂતોને કૃષિ કાયદો સમજાવવાનો કરાયો પ્રયાસ
- મુખ્યપ્રધાને કોંગ્રેસ પર કર્યા આક્ષેપો
નવસારીઃ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓનો પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યના ખેડૂતો 23 દિવસોથી દિલ્હી બોર્ડર પર ઉગ્ર આંદોલન સાથે વિરોધ કરી રહ્યા છે. જેને કારણે મોદી સરકાર બેકફૂટ પર આવી છે અને હવે કિસાન સંમેલનો થકી ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદાઓ જણાવી રહી છે. જેમાં ગુજરાત ભાજપે પણ કિસાન સંમેલનો થકી ખેડૂતોનું સમર્થન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.
મુખ્યપ્રધાને કૃષિ કાયદાઓને ખેડૂત હિતલક્ષી ગણાવ્યા
આજે શુક્રવારે નવસારી, ડાંગ અને વલસાડ ત્રણ જિલ્લાના 400 ખેડૂતોને નવસારીના સુરખાઈ ખાતે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને રાખી આયોજિત કિસાન સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કૃષિ કાયદાઓને ખેડૂત હિતલક્ષી ગણાવ્યા હતા અને જણાવ્યું કે, એક સમયે કોંગ્રેસ ખેત ઉત્પાદનો બજારમાં વેચવા માટેની માંગણી કરતી હતી, ચૂંટણી ઢંઢેરામાં પણ એજ વાત હતી, તો પછી વિરોધ શાનો. કોંગ્રેસ અને વિપક્ષી દળો ખેડૂત સમર્થન પર નજર રાખી, મોદી પર નિશાન સાંધી રહ્યા છે.
કિસાન સંમેલનમાં મહિલાઓની પાંખી હાજરી
કૃષિ કાયદાઓ માટે ખેડૂતોનું સમર્થન મેળવવા યોજાયેલા કિસાન સંમેલનમાં ત્રણ જિલ્લાના ખેડૂતોને બોલાવાયા હતા. પરંતુ અહીં મહિલાઓ નહીં બરાબર હતી. જે મહિલાઓ હતી એમાં મોટાભાગની મહિલાઓ ભાજપની કાર્યકર્તાઓ હતી.