નર્મદા: નર્મદા જિલ્લામાં બે બંધ આવેલા છે. જેમાં એક નર્મદા બંધ જ્યારે બીજો કરજણ બંધ આવેલો છે. કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ ચોમાસાની ચાલુ સીઝનમાં ડેમના ઉપરવાસમાં એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો વરસાદ પડતા કરજણ ડેમમાં નવા નીર આવ્યાં છે. જેથી હાલ ડેમની સપાટી 105 મીટરે પહોંચી છે.
કરજણ બંધમાં હાલ 14,000 ક્યુસેક પાણીની આવક છે. ગુરૂવારે આ ડેમનું રુલ લેવલ 108.69 મીટર છે, એટલે કે રુલ લેવલથી આ બંધ માત્ર 2.5 મીટર જ દૂર છે. આ ડેમ 55 ટકા ભરાયો છે, તેમજ ડેમનું આજનું લાઈવ સ્ટોરેજ 262.73 મિલિયન કયુબિક મીટર છે. ઉપરાંત ગત વર્ષ કરતા આ ડેમ વધુ ભરાયો છે.
આ ડેમ અગત્યનો એટલા માટે પણ છે કે, જયારે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં નથી આવતું, ત્યારે આ બંધમાંથી પાણી છોડી નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવામાં આવે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બંધ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડી શકાશે અને સિંચાઈ તેમજ પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી થશે. પાણીની આવકના પગલે કરજણ ડેમના બે જળવિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યાં છે.