સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પ્રવાસન સ્થળ તરીકે આ જિલ્લાનો વધુ વિકાસ થાય તે માટે તંત્રએ કમરકસી છે. 31 ઓક્ટોબર 2018એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેટ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 15 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવ્યા છે.
સ્ટેટ્યૂ ઓફ યુનિટીની સાથે પ્રવાસીઓને મનોરંજનના અન્ય પણ વિકલ્પ મળી રહે તે માટે નિતનવા પ્રોજેક્ટ મૂકી પ્રવાસીઓને આકર્ષવાની કોશિશ હાથ ધરાઈ છે. હવે વનવિભાગ દ્વારા ખુબ જ કિંમતી વનસ્પતિ ગણાતા થૉર એટલે કે, કેક્ટ્સની વિવિધ 400 જાતને પ્રદર્શિત કરતું કેક્ટ્સ ગાર્ડન બનાવાયું છે.
જેમાં એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૂકા વાતાવરણમાં થતાં અને ઓછા પાણીની જેને જરૂર પડે છે તેવા આ કેક્ટ્સના વાતાવરણને સાચવવા ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ તમામ કેક્ટ્સ રેતીમાં વાવવામાં આવ્યા છે. તેને જરૂરી ઠંડક પણ મળે તે માટે ખાસ એરકુલર પણ મુકાયા છે. આગામી ઑગસ્ટ મહિનામાં આ કેક્ટ્સ ગાર્ડન આમ જનતા માટે ખુલ્લો મુકાશે જેને માટે ખાસ ગીર ફાઉન્ડેશન ના કર્મચારીઓ આ કેક્ટ્સ ગાર્ડનની દેખભાળ રાખી રહ્યા છે.