મોરબી: વાંકાનેરના પીપળીયા રાજ ગામની પેટા શાળા નંબર-2માં આસી શિક્ષિકા ડાંગર જલ્પાબેન દેવરાજભાઈએ ડિસેમ્બર 2016થી 2020 સુધીમાં 1063 દિવસોની રજા ભોગવી હતી. એટલું જ નહીં શિક્ષિકાએ 160 દિવસની રજાઓ અનઅધિકૃત રીતે ભોગવી હતી. તેમણે વેકેશન સિવાયની રજાઓ પણ ભોગવી હતી.
શાળામાં સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણના મામલે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ રજાઓ ભોગવવા મામલે શિક્ષિકાને પોતાનો પક્ષ રજુ કરી ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી. જો કે, રજાઓ ભોગવતા શિક્ષિકાએ પોતાનો પક્ષ કે, ખુલાસો રજુ કર્યો ન હતો, જેથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા શિક્ષિકા જલ્પાબેન ડાંગરને બરતરફ કરી દેવામાં આવ્યા હતા.
આમ, સતત ગેરહાજરી તેમજ અનિયમિત શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડક કાર્યવાહી કરી રહ્યાં છે. જેથી શિક્ષણ જગતમાં પણ ચકચાર મચી છે.