- ધ્રોલ હત્યાના ગુનાના આરોપીને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો હતો
- સબ જેલમાંથી જામનગર કોર્ટમાં હાજર થવા માટે આરોપીને ખાનગી કારમાં લઇ જવાયો
- VIP ટ્રીટમેન્ટ આપવા બદલ બે પોલીસ જવાન સસ્પેન્ડ
મોરબી: જામનગર જિલ્લાના ધ્રોલ (Dhrol) માં હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સને મોરબી સબ જેલ (Morbi Sub Jail) માં રાખવામાં આવ્યો હતો. જેને આજે શુક્રવારે જામનગર કોર્ટમાં રજૂ કરવા લઇ જવાયો હતો. આરોપીને સરકારી વાહન કે ST બસને બદલે ખાનગી ફોર્ચ્યુંનર કારમાં લઇ જવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી હતી અને બનાવની ગંભીરતા પારખી મોરબી જિલ્લા SP દ્વારા હેડ કોન્સ્ટેબલ સહિતના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જામનગરના ધ્રોલમાં 'પતિ- પત્ની ઔર વો...નો કિસ્સો', પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ
ગુરુવારે મોરબીથી જામનગર કોર્ટમાં મુદત હોવાથી લઇ જવામાં આવ્યા હતા
આ બનાવની હકીકત જાણીએ તો જામનગર ટોલનાકા કામ બાબતે ગત તા. 6 માર્ચ 2020 ના રોજ ધ્રોલમાં હત્યાની ઘટના બની હતી. ધ્રોલ (Dhrol) ના દિવ્યરાજસિંહ જાડેજા નામના 29 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરાઈ હતી. જે મામલે ધ્રોલ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપીને ઝડપી લેવાયા હતા. જે હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઓમદેવસિંહ જાડેજા ગઈકાલે ગુરુવારે મોરબીથી જામનગર કોર્ટમાં મુદત હોવાથી લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી હત્યા, પોલીસે આરોપીઓની કરી ધરપકડ
ખાતાકીય તપાસના આદેશ અપાયા
આરોપીને સરકારી વાહનને બદલે ખાનગી ફોર્ચ્યુનર કારમાં લઇ જવાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો વાયરલ થવાને પગલે ચકચાર મચી હતી અને VIP સગવડ (VIP treatment) આપવાની ગંભીર નોંધ લઈને મોરબી જિલ્લા એસપી સુબોધ ઓડેદરા દ્વારા હેડ કોન્સ્ટેબલ રાજેશ મંગાભાઈ અને લોક રક્ષક જવાન જગદીશ એમ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.