મોરબી : મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે આજે હળવદના બે મુખ્ય બજારને પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં બે મુખ્ય બજાર માર્કેટ વિસ્તાર હળવદ શહેરના ડો.બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી તેમજ બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડીને પ્રતિબંધિત જાહેર કરી હતી.
જો કે, લોકડાઉનમાં અમુક દુકાનોને આંશિક છૂટછાટ આપતા હળવદ શહેરના આ બંને બજાર માર્કેટ ધમધમવા લાગ્યા હતા અને આ બજાર વિસ્તારોમાં ભારે ભીડ જામી હતી. ભીડને કારણે લોકડાઉનનો અમલ જોખમમાં મૂકાઈ ગયો હતો. લોકો આ બજાર વિસ્તારોમાં ઉમટી પડતા જોખમ વધ્યું હતું.
આ વાત તંત્ર ધ્યાને આવતા હળવદ શહેરના બજાર વિસ્તારમાં ભીડનું જોખમ ટાળવા અને લોકડાઉનનો યોગ્ય રીતે અમલ થાય તે માટે કલેકટરે હળવદ શહેરના ડો.બાબા સાહેબ ચોકથી લક્ષ્મી નારાયણ ચોક સુધી, બ્રાહ્મણની ભોજનશાળાથી સરા ચોકડી સુધીના બજાર માર્કેટને પ્રતિબંધિત જાહેર કરી દીધાં છે.
આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ કરી છે. તેમજ હળવદ શહેરમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે અન્ય વિસ્તારોમાં દુકાનો બપોરના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. બપોરના 1 વાગ્યા બાદ સંપૂર્ણપણે લોકડાઉન રહેશે તેવું કલેકટરે જાહેર કર્યું છે.