કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ. આ ઉક્તિને મોરબીના ટિબંડી ગામની સરકારી પ્રાથમિક શાળાના આસીસટન્ટ શિક્ષક કમલેશભાઈ મનજીભાઈ દલસાણીયાએ ખરા અર્થમાં સાકાર કરી છે. તેેઓએ લોકડાઉનનો સદઉપયોગ કરીને ગામની શાળાને ખરા અર્થમાં સરસ્વતીનું ધામ બનાવવા માટે કમર કસી હતી. તેઓ લોકડાઉનમાં એકપણ દિવસ ઘરે રહ્યા નથી. જોકે સ્કૂલનો સમય સવારે 8થી સાંજના 5 કલાકનો હોય છે, પરંતુ આ કર્મઠ શિક્ષક લોકડાઉન અને વેકેશન દરમિયાન પણ સવારે 8થી સાંજના 7 કલાક સુધી સ્કૂલે રહીને ભારે મહેનત કરીને શાળાને અનોખી રીતે રીનોવેટ કરી છે.
શિક્ષકે આખી શાળાને ખૂબ કાળજી પૂર્વક રીનોવેટ કરી છે કે બાળકો રમતા રમતા ખૂબ હોંશભેર ભણી શકે અને બાળકોને ક્યારેય શિક્ષણ બોજારૂપ ન લાગે તે રીતે શાળાને નવો આયામ આપ્યો છે. શાળાની એકપણ દીવાલ કોરી રાખી નથી. શાળાની તમામ દીવાલોમાં બાળકોના સમગ્ર અભ્યાસક્રમને ચિત્ર દ્વારા ટાઇલ્સમાં અંકિત કર્યું છે. શાળાની દીવાલ ઉંચી બનાવી ઉપરના વિભાગોમાં 31 વૈજ્ઞાનિકો, 28 સાધુ સંતો, 17 કાંતિકારીઓ અને 28 કવિ લેખકોના સમગ્ર પરિચયની વિસ્તૃત માહિતી સાથે અદભુત રેખાકન કર્યું છે. જેમાં ચિત્રકારો તથા પેઈન્ટરોની મદદથી અને ખુદ શિક્ષકે જાતે દીવાલોમાં અદભુત પેઇન્ટિંગ કર્યું છે. તેમજ શાળાના બાંધકામ સહિત સમગ્ર શાળાના રીનોવેટ માટે શિક્ષકે પોતાની જાત ઘસી નાખી હતી.
સમગ્ર શિક્ષણને શાળાના બાંધકામમાં આવરી લીધો હોય તેવી કદાચ ગુજરાતમાં આ પ્રથમ શાળા હશે. ધોરણ 1 અને 2ના તમામ પુસ્તકોને દીવાલમાં કંડાર્યું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કક્કો 1થી 100 આંક, સંસ્કૃતના શબ્દો, જુદા-જુદા પ્રયોગો, યોગ, બાર માસની વિગત, મહાનુભાવોના ચિત્રો દીવાલો પર અંકિત કર્યા છે. આ ઉપરાંત જુદા જુદા ચિત્રોની 158 ટાઇલ્સ બનાવીને દીવાલ પર લગાવીને બાળકો રમતા રમતા લખી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. ટાઈલ્સની નીચે સાપસીડીમાં સરવાળો બાદબાકી સહિત ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન સહિતના વિષયોનું ચિત્ર દોર્યું છે. તેમજ શૌચાલય પણ આધુનિક બનાવ્યું છે.