મોરબી, ટંકારા અને માળિયા તાલુકામાં વડાપ્રધાનને પત્ર લખી ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યાં છે. વડાપ્રધાનને પત્ર લખવાનું કારણ આપતા ખેડૂતો જણાવી રહ્યાં છે કે, સ્થાનિક તંત્ર કે, રાજ્ય સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી અને તેમની માગો સાંભળતી નથી. જેથી દેશના વડાપ્રધાનને પત્ર લખીને ખેડૂતો પોતાના પાક નુકસાનીના વળતરની માગ કરે છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે 700 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું છે. તેના પર આક્રોશ સાથે ખેડૂતે જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલ પેકેજ પ્રમાણે ખેડૂતને 2000 રૂપિયા માંડ મળશે. જે મગફળીના પાક નહી પરંતુ તેના ભૂસાના નુકસાન જેટલું પણ નથી થતું.
મગફળીના પાકનું શું? ભારે વરસાદમાં પાક નિષ્ફળ ગયા છે અને પાક પણ યાર્ડમાં તળિયાના ભાવે આપી રહ્યાં છે, પરંતુ સરકાર તેમની વેદના સાંભળતી કે, સમજતી નથી જેથી વડાપ્રધાનને પત્ર લખવાની ફરજ પડી છે.
ખેડૂતોની દયનીય સ્થિતિ જાણવા અને સમજવા માટે હડમતીયા ગામની સહકારી મંડળીના મંત્રીનો સંપર્ક કરતા તેની પાસેથી કેટલીક આંકડાકીય માહિતી પ્રાપ્ત થઇ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, 80 ટકા ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે, તો મંડળીના સભાસદોને 6 કરોડ પાક ધિરાણ કરવામાં આવ્યું છે. જેમાં 24.92 લાખ રૂપિયા પાક વીમા પ્રિમિયમ પેટે ચૂકવ્યા છે 650 ખેડૂતોએ સંસ્થામાંથી ધિરાણ મેળવ્યું છે. પરંતુ અતિવૃષ્ટિથી પાક બરબાદ થયો છે અને હવે વળતર પેટે ખેડૂતોને પુરતી રકમ મળે તેમ નથી જેથી ખેડૂતો પાયમાલ થયા છે.
ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂતોએ પાકવીમા પ્રિમિયમ પેટે 24.92 લાખ રૂપિયા ચૂકવ્યા છે અને 650 ખેડૂતોએ 6 કરોડ પાક ધિરાણ લીધું છે, પરંતુ હવે ધિરાણ ચૂકવી સકે તેવી સ્થિતિ પણ રહી નથી. ખેડૂતો પણ પાકધિરાણના ચુકવવા મન મનાવી લીધું છે. પાકને થયેલ નુકસાનીનું પૂરું વળતર મળે તે માટે હવે સ્થાનિક તંત્ર, નેતાઓ કે, રાજ્ય સરકાર પર વિશ્વાસના હોય તેમ જણાવીને દેશના વડાપ્રધાનને પત્ર લખવાનું અભિયાન શરુ કર્યું છે. જેમાં મોરબી જિલ્લાના એક બાદ એક ગામો જોડાઈ રહ્યાં છે. હવે દેશના વડાપ્રધાન ખેડૂતોને શું રાહત આપે છે અને ખેડૂતોની માંગણી સંતોષી શકશે કે, નહી તે જોવું રહ્યું.