મોરબીઃ ટંકારામાં એક જ કપાસની ખરીદીનું કેન્દ્ર હોવાથી મોરબી માળીયા તાલુકાના ખેડૂતોને કપાસ વહેંચવા જવામાં હાલાકી પડતી હોવાથી મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગન વડાવીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા,ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા, સાંસદ મોહન કુંડારીયા સહિતના અગ્રણીઓએ મોરબી અને માળીયા વચ્ચે કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્ર ખોલવાની માંગ કરી હતી.
જેના પગલે, મોરબી માળીયા વચ્ચે સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. મોરબી નજીક આવેલ અને માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનીગ મીલમાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્રને કાર્યરત કરવામાં આવ્યું છે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. હાલના તબક્કે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે 98795 30240, 98252 22683 અને 90990 58890 પર સંપર્ક કરવાનો રહેશે. જોકે લોકડાઉનને લઈને રૂબરૂ રેજીસ્ટ્રેશન કરાશે નહી અને માત્ર આ મોબાઈલ પર રજીસ્ટ્રેશન થઈ શકશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે અને વેપારીઓ ખોટો ગેરલાભ ન ઉઠાવે તે માટે આ રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. અને નોંધણી થયેલા ખેડૂતોને કપાસની ખરીદી માટે બોલાવાશે.