માળિયાના સાગરકાંઠા વિસ્તારમાં નવલખી બંદરથી લઈ ટીકર રણ સુધી 15 જેટલા માછીમારી કાંઠા આવેલ છે. જેમાં 12 હજાર જેટલા પરિવારો માછીમારીના વ્યવસાયથી પોતાનુ ગુજરાન ચલાવે છે. રણ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી મીઠું પકવવા રણ વિસ્તારમાં મોટા મોટા માટીના પાળાઓ તથા મોટાપાયે ખોદકામ કરવામાં આવ્યુ છે. આ કારણે ઘણી ખાડી બંધ થઈ ગઈ છે અને પાણીની અવરજવર બંધ થતા માછીમારીનો વ્યવસાય પડી ભાંગ્યો છે.
આ ખોદકામ, પાળા બનાવવા કે અગર માટેની કોઈ લીઝ કે મંજુરી ન હોવા છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રણ વિસ્તારમાં થઇ રહી છે. જેથી આવી પ્રવૃતિઓ રોકવાની માંગ સાથે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી ન થતા રજૂઆત સાથે આરટીઆઈ એક્ટીવીસ્ટ દ્વારા એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.આંદોલનને પગલે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે સ્થળની મુલાકાત લીધી હતી અને રજૂઆત સાંભળી હતી.
માછીમારોના ધંધા છીનવાય ના જાય તે માટે આઝાદ મહિલા માછીમારી સહકારી મંડળી લી. અને માળિયા મહિલા શક્તિ સંગઠન જેવી સંસ્થાઓ લડત ચલાવી રહી છે. હાલ નાયબ વન સંરક્ષક દ્વારા કાર્યવાહીની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. જોકે સંસ્થાઓએ લેખિત ખાતરીનો આગ્રહ રાખ્યો હતો તે ન મળતા આગામી દિવસોમાં ગાંધીનગરમાં આંદોલન કરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.