મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર દ્વારા રાજકોટ ઝોન પ્રાદેશિક કમિશ્નરને ફ્લાય ઓવર બનાવવા દરખાસ્ત કરી હતી. જેમાં મોરબીના ઉમિયા સર્કલ ખાતે અંદાજીત 60 કરોડ અને રવાપર કેનાલ ચોકડીએ અંદાજીત 50 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવા રજૂઆત કરી હતી. આ રોડ સતત ધમધમતા હોય અને ભારે ટ્રાફિક રહેતું હોય જેના નિવારણ માટે ફ્લાય ઓવર બનાવવા માગ કરી હતી.
રજૂઆતને પગલે પ્રાદેશિક કમિશ્નર કચેરીના કાર્યપાલક ઈજનેર રવિભાઈ કનેરીયા, મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ઈજનેર અને કન્સલટન્ટ મનીષભાઈ રૂપારેલીયા સહિતના અગ્રણીઓએ સ્થળ વિઝીટ કરી હતી અને આ વિઝીટ અંતર્ગત ઉમીયા સર્કલ અને રવાપર કેનાલ સર્કલ ખાતે ફ્લાય ઓવર બ્રીજ માટે જરૂરી જગ્યા, ફ્લાય ઓવરની ડીરેકશન, વાહનોના પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફીઝીબીલીટી રીપોર્ટ રજુ કરવા પ્રમુખ દ્વારા કન્સલટન્ટને સૂચન કરવામાં આવ્યા હતા.