મોરબી: ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યની પોલીસ એક્શન મોડમાં છે. રાજ્યમાં થતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે અને ગુનેગારોને પકડવા માટે રાજ્યના દરેક જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે. તો સુરત શહેરમાં છેતરપિંડીના ગુનામાં ચાર વર્ષથી બે ઈસમો નાસતા ફરતા હતા. આ ઈસમોને મોરબી DySp ટીમે મોરબી ખાતેથી ઝડપી પાડ્યા છે, હાલ તેઓને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
મોરબી જિલ્લા SP એસ.આર. ઓડેદરાની સૂચનાથી DySp રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ વણ ઉકેલાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે કાર્યરત છે. આ દરમિયાન મહીધરપુરા પોલીસ મથકમાં સુરત શહેરમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીઓ રમેશ કરશન કાવર અને પ્રવીણ લીંબાભાઈ રાણીપા બંને મોરબી શહેરમાં હોવાની બાતમીને આધારે ડીવાયએસપીની ટીમે તપાસ કરતા બંને આરોપીઓ મળી આવ્યા છે. આ બંન્ને આરોપીઓને ઝડપી લઈને મહીંધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.