વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો ખરા અર્થમાં ભાર વિનાનું ભણતર બની શકે છે. જો કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવતા અનેક શિક્ષકો વિવિધ ઇનોવેટીવ પ્રવૃત્તિઓ થકી શૈક્ષણિક કાર્ય કરાવતા હોય છે. ત્યારે આવા શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્યકક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
રાજપર તાલુકા શાળા ખાતે GCERT અને DIET - રાજકોટ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 46 જેટલા ઇનોવેટીવ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઇનોવેશનો રજૂ કર્યા હતા. જેનું હાલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં પ્રાથમિક વિભાગમાંથી પ્રથમ ક્રમે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળાના શિક્ષક પટેલ વિમલભાઈ, દ્વિતિય ક્રમે મોરબી તાલુકાની નવા મકનસર પ્રા. શાળાના શિક્ષક પાંચોટીયા જિતેન્દ્રભાઈ તેમજ માળિયા તાલુકાની રત્નમણિ પ્રા. શાળા મોટીબરારના શિક્ષક બદ્રકિયા અનિલભાઈ, તૃતીય ક્રમે મોરબી તાલુકાની જેતપર કુમાર પ્રા. શાળાના શિક્ષિકા ગોધાસરા પ્રિયંકાબેનની પસંદગી કરવામાં આવી છે.
જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ ક્રમે મોરબી તાલુકાના બગથળા હાઈસ્કૂલના શિક્ષક કામરીયા અશોકભાઈ, બીજા ક્રમે ટંકારા તાલુકાની બહુચર વિદ્યાલયના શિક્ષક વાટકીયા પ્રવિનચંદ્રની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં જિલ્લા કક્ષાએથી પસંદગી પામેલા આ તમામ શિક્ષકો રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.