મોરબી: મોરબી જિલ્લાના લાલપર ગામ નજીકથી બાબુભાઈ ઉર્ફે બાલુભાઈ નાનાભાઈ ખાટ નામના પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના માથા અને મોઢાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જણાતું હતું. મૃતક મોરબીમાં છૂટક મજુરી કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. આ બનાવ સંદર્ભે અરવલ્લી રહેતા તેમના કુટુંબી ભાઈ કનુભાઈ ખાટે મોરબી તાલુકા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.
પથ્થરના ઘા ઝિંકી હત્યા: આ હત્યાના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ અને એલસીબી ટીમે તપાસ ચલાવતા મૃતક બાબુભાઈના મિત્રો દિનેશ ખુમાન અને અર્જુન ગામર શંકાના દાયરામાં આવ્યાં હતાં. કારણ કે બનાવ બન્યો તે પૂર્વે ત્રણેય એક સાથે લાલપર સ્મશાન તરફ જતા જોવા મળ્યા હતા. આ બાતમીને પગલે બંને શખ્સોને એલસીબી કચેરીએ લાવી સઘન પૂછપરછ કરતા બંનેએ જણાવ્યું હતું કે, બાબુભાઈ સાથે બંનેની બોલાચાલી થતાં તેને બાબુભાઈ પર પથ્થરના ઘા ઝિંક્યા હતાં જેમાં તેનું મૃત્યું થયું. આ ઘટનાના પગલે પોલીસે મૂળ મધ્યપ્રદેશના અને હાલમા લાલપરમાં રહેતા આરોપી દિનેશ ખુમાન માવી તેમજ અર્જુન જવરચંદ ગામરને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નાના એવા ગામમાં અરેરાટી: હાલ તો હત્યાની ઘટનાને લઈને સમગ્ર નાના એવા લાલપર ગામમાં શોકનો માહોલ છે. પરંતુ બીજી તરફ એ પણ વાસ્તવિક્તા છે કે, અત્યારના સમય ઘણા લોકો પોતાની ધીરજ અને એકાગ્રતાને ગુમાવીને આક્રમકતા તરફ ધસી રહ્યાં છે, આવા લોકો કોઈનો જીવ લેવાથી પણ ખચકાતા નથી. હાલ તો હત્યાના આરોપસર બંને આરોપીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.