મોરબી: મોરબી પુલ દુર્ઘટના કેસમાં પોતાની ધરપકડને છેલ્લા કેટલાક દિવસોથી ટાળતો જયસુખ પટેલ અંતે સરેન્ડર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે કોર્ટમાં પેશવી કરતા 14 દિવસના રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. 1 કલાક સુધી ચાલું રહેલી દલીલમાં સરકારી વકીલે ધારદાર પ્રશ્નો કર્યા હતા. કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે વર્ષ 2017માં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં વર્ષ 2022 સુધી કોને કહેવા પર કોન્ટ્રાક્ટ ચાલું રાખવામાં આવ્યો હતો. વર્ષ 2017માં મોરબી ક્લેક્ટરનો પત્ર હતો. જેમાં એક સવાલ કરાયો હતો કે, આ પુલ જર્જરીત છે તેમ છતાં કેમ ચાલું રાખવામાં આવ્યો છે.
સરકારી અધિકારીની સંડોવણી?: આ સાથે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, આ કેસમાં કોઈ સરકારી અધિકારીની સંડોવણી છે કે શું? મોરબી પુલ દુર્ઘટના કેસમાં પોલીસે અજંતા ઓરેવા ગ્રૂપના બે મેનેજર, ટિકિટબારીના ક્લાર્ક તથા સિક્યુરિટી સહિતના નવ આરોપી સામે ગુનો નોંધ્યો હતો. આ પછી હાઈકોર્ટ સુધી જામીન માટેની દોડધામ થઈ હતી. કાયદાકીય લડત બાદ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધા બાદ ચાર્જશીટ રજૂ થવાના પગલે નવ પૈકી સાત આરોપીઓ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
ચુસ્ત સુરક્ષા: અજંતા ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલને રાત્રીના ડીવાઈએસપી કચેરીમાં જ રાખવામાં આવ્યો હતો. એ પછી બીજા દિવસે સવારે નો એન્ટ્રી જેવી સ્થિતિ વચ્ચે ડીવાયએસપી કચેરીએ કોઈ ચકલું પણ ન ફરકે એવી હાલતમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોર્ટ પરિસરમાં પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનોની ટીમ ઊતારી દેવામાં આવી હતી.
સરકારી વકીલની ધારદાર દલીલ: પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને સરકારી વકીલ સંજય વોરાએ ધારદાર દલીલ કરી હતી કે, જાન્યુઆરી 2020 માં ઓરેવા કંપનીએ કલેકટરને એક લેટર લખીને કહ્યું હતું કે, આ પુલની પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે તેમ છે. ત્યાર બાદ કોઈ પત્ર વ્યવહાર થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ થયો ન હોવા છતાં ઓરેવા ગ્રુપે મેન્ટેનન્સનું કામ ચાલુ રાખ્યું હતું. ઓરેવા કંપનીને ખબર જ હતી કે આ અકસ્માતે ગમે ત્યારે તૂટી જાય તેમ છે. છતાં પણ જે મુખ્ય કેબલ બદલાવાની જરૂર હતી એ કેબલ તાર બદલાવ્યા વગર નાના નાના કોસ્મેટીક ચેન્જીસ કરી મેન્ટેનન્સનું કામ પુરૂ કરતા હતા. એનો મતલબ એવો થાય કે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોઈ તેની દીવાલો, સીલીંગ અને ફ્લોર સરખી કરવાની હતી ત્યારે આમને લાદી સરખી કરી એના જેવી વાત હતી.
શું છે ઓરેવા અને કોણ છે જયસુખ પટેલ?: અજંતા ઓરેવા ગ્રુપ ઓફ કંપનીઝના MD જયસુખ પટેલ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, હોમ એપ્લાયન્સીસ તથા એલઈડી બલ્બના ઉદ્યોગમાં જાણીતું નામ છે. તેમની કંપનીની ઘડિયાળો એક સમયે ભારતભરમાં ધૂમ મચાવતી હતી. બાદમાં તેમણે વારંવાર ચીનની મુલાકાત લઈને સીએફએલ અને એલઈડી લેમ્પના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. ફિલિપ્સ કંપની સામે તેમણે ખૂબ સસ્તા દામે 1 વર્ષની ગેરન્ટી આપતા બલ્બ શરુ કર્યા હતા