- મોરબીમાં નવા એરપોર્ટને મંજૂરી મળી ગઈ
- જૂનું એરપોર્ટ શરૂ કરવા ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી
- આંતરમાળખું ઝડપથી વિકસે અને સર્વિસ શરૂ થાય એ માટે અપીલ
મોરબી : એરપોર્ટનું આંતરમાળખું વિકસાવવા માટે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે. મોરબી એરપોર્ટને મંજૂરી મળી ગઈ છે. હવે આંતરમાળખાના વિકાસ માટે નિર્માણકાર્ય શરૂ થાય અને સર્વિસ શરૂ થાય એવું ચેમ્બર ઓફ કોમર્સ ઈચ્છી રહ્યું છે. અગાઉ ઈતિહાસમાં મોરબીમાં વાઘાજી ઠાકોરે એક એરપોર્ટનું નિર્માણ કરાવ્યું હોવાના પુરાવા છે.
મોરબીમાં એરપોર્ટનું આંતરમાળખું વિકસાવવા કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાનનેે ચેમ્બર ઓફ કોમર્સનો પત્ર
મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિતભાઈ સચદેએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, એક સમયે દરરોજ મોરબીથી મુંબઈની એક ફ્લાઈડ ઑપરેટ થતી હતી. આઝાદીના સમય બાદ એરપોર્ટ અને ઑપરેશન સર્વિસ પર કાયમી પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતું. હવે ઉડ્ડયન મંત્રાલયે ફરી જૂનું એરપોર્ટ શરૂ કરવા અને સર્વિસ માટેની મંજૂરી આપી દીધી છે. આ અંગે કેટલાક પ્રાથમિક કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
વિદેશમાંથી અનેક વેપારીઓ મોરબી આવતા હોવાથી સરળતા થઇ શકે
મોરબી સૌરાષ્ટ્રનું એક ઔદ્યોગિક શહેર છે અને સિરામિક હબ તરીકે જાણીતું છે. હાલમાં તે ચીનને ટક્કર આપી રહ્યું છે. આ ઉપરાંત ઘડિયાળી ઉદ્યોગ પણ અહીં વિકસેલો છે. આ સિવાય કોટન અને એને સહાયક અને ઉદ્યોગ અહીં ધમધમે છે. રાજ્ય અને વિદેશમાંથી અનેક વેપારીઓ જરૂરિયાત અનુસાર મોરબીનો સંપર્ક કરે છે. આ માટે ઝડપથી પરિવહન થાય એવું એક માધ્યમ અનિવાર્ય છે. મંત્રાલય તરફથી મોરબી એરપોર્ટ માટે મંજૂરી મળી ગઈ છે. પણ આંતરમાળખું ઝડપથી વિકસે અને સર્વિસ શરૂ થાય એ માટે અપીલ કરવામાં આવી છે. આ માટે હરદિપસિંહ પુરીને ખાસ લેખિતમાં રજૂઆત કરવમાં આવી છે. એક એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ વિષય સંબંધી જે કંઈ પ્રક્રિયા બાકી છે એને વહેલી તકે પૂરી કરી દેવામાં આવે. જેથી રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર આર્થિક મદદનું કામ પણ આગળ વધી શકે. નવું એરપોર્ટ શરૂ થતા માત્ર વેપારીઓને જ નહીં પણ મોરબીની પ્રજાને પણ મોટો ફાયદો થશે.