મોરબીમાં આવેલા મચ્છીપીઠ નાકા પાસેથી પોલીસ વિભાગની LCB ટીમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળતી બાતમીને આધારે આરોપી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા તથા દિગપાલસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ગીરીરાજસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને આરોપીઓ પાસેથી દેશી બનાવટની 1 પિસ્તોલ તથા 14 જીવતા કાર્તુસ તેમજ ખાલી મેગ્જીન અને દેશી બનાવટનો તમંચો મળીને કુલ 16,500નો મુદામાલ જપ્ત કરીને બન્ને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.
તો આ મામલે આરોપીઓએ પોતે હથિયાર મધ્યપ્રદેશના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી લીધા હોવાની કબુલાત કરી હતી. જેને પગલે પોલીસ વિભાગ દ્વારા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તો આ હથિયારો સાથે ઝડપાયેલા આરોપી અર્જુનસિંહના મામાની 2 મહિના પહેલા જ હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. તો હત્યા કરનાર આરોપી પોતે કોર્ટની મુદત માટે હાજરી આપવા આવનાર હતો. તે સમયે તેના પર ફાયરીંગ કરવા માટે આ હથિયારો અને કાર્ટીસ લાવ્યો હોવાની કબુલાત આપી હતી. આ પરથી મોરબી શહેરમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલવા આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
જો કે LCBની ટીમ દ્વારા સમયસર આરોપીઓને ઝડપી લેતા આ લોહીયાળ ખેલ સહેજમાં અટક્યો હતો. તો આ અંગે જિલ્લા પોલીસ વડા ડૉ.કરજન વાઘેલાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મધ્યપ્રદેશથી હથિયારો મેળવ્યા હોવાથી હવે મધ્યપ્રદેશ સુધી તપાસ હાથ ધરવામાં આવશે.