મોરબીના જાગૃત નાગરિક રાજેશ એરણીયાએ દેશના વિદેશપ્રધાન એસ. જયશંકર તેમજ રાજ્ય કક્ષાના પ્રધાન વી. મુરલીધરણ, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને વિનોદભાઈ ચાવડાને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે મોરબી ઓદ્યોગિક રીતે સંપન્ન શહેર છે. ભારત દેશની 90 ટકા ટાઈલ્સ ઉત્પાદન મોરબીમાં થાય છે અને વિશ્વમાં ટાઈલ્સ ઉત્પાદનમાં બીજા ક્રમે રહેલો મોરબીનો સિરામિક ઉદ્યોગ સીધા 6 લાખ લોકોને અને અન્ય 3 લાખ લોકોને રોજગારી આપે છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સ્પર્ધા કરે છે. મોરબીનું અબજોનું વાર્ષિક ટર્નઓવર છે, જેમાં મોરબીના 50 હજારથી વધુ ઉદ્યોગપતિઓ વિદેશમાં ધંધા અર્થે મુસાફરી કરતા હોય છે. જોકે મોરબીમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ના હોવાથી ઉદ્યોગપતિઓને રાજકોટ ધક્કા ખાવા પડે છે. જેથી મોરબીને પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા આપવામાં આવે તેવી માગ કરી છે.