- વાંકાનેર પોલીસ સ્ટેશનમાં દાખય થયેલા ગુનાના કેસમાં આરોપીને મળી ધમકી
- આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાએ રૂ. 1 લાખની માગ કરી હતી
- ફરિયાદી રૂપિયા આપવા ન માગતો હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી
વાંકાનેરઃ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબીશન ગુનાના કેસમાં ધમકાવી આરોપી હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ રૂ 1 લાખની માંગણી કરી હતી. રકઝક બાદ રૂ. 75 હજાર આપવાનું નક્કી થયું હતું, જેમાં 25 હજાર આપી છૂટ્યા બાદ વધુ 50 હજાર આપવાનું નક્કી કર્યું હતું. જોકે, ફરિયાદી રૂપિયા આપવા માગતો ન હોવાથી એસીબીમાં ફોન કરી ફરિયાદ કરી હતી. એસીબી મદદનીશ નિયામક એ. પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ પ્રવીણ ગઢવીની ટીમે ટ્રેપ ગોઠવી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાએ તેના વચેટિયા પ્રવીણ ખોડાભાઈ બાંભવાની સિંધાવદર અણદાબાપા દેરી પાસે આવેલી ન્યૂ બ્રાંડ લૂક રેડીમેઈડ સ્ટોર ખાતે લાંચની રકમ આપવા જણાવ્યું હતું.
એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપ્યો
એસીબીની ટીમે છટકું ગોઠવી રૂ.50 હજારની લાંચની રકમ સ્વીકારતા આરોપી રંગે હાથ ઝડપાયો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલ નાસી ગયો હતો. એસીબી ટીમે 50 હજારની રોકડ રકમ રિકવર કરી વચેટિયાને દબોચી લીધો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલ ફરાર થતા તેની સામે ગુનો નોંધી તપાસ ચલાવી છે.