- કોરોનાએ ઉદ્યોગોને પણ લીધા ભરડામાં
- કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર પડી
- 90 જેટલા યુનિટો હાલ પુરતા થયા બંધ
મોરબી: જિલ્લામાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે. જો કે હાલમાં દેશના જુદા-જુદા રાજ્યની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન હોવાથી વેપારીઓ દ્વારા માલની ડિમાન્ડ ઓછી કરવામાં આવે છે. જેના લીધે સિરામિક કારખાનાની અંદર ગોડાઉનો છલકાઈ ગયા છે, ત્યારે લગભગ 90 જેટલી સિરામિક ફેક્ટરીને હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ગેસના ભાવમાં 4 રુપિયાનો વધારો થતાં મોરબી સિરામિક ઉદ્યોગમાં મુશ્કેલી
અન્ય રાજ્યમાં લોકડાઉનના કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં
હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ઘણા રાજ્યની અંદર કોરોના કેસો વધારે આવે છે. કોરોનાના દર્દીઓના મૃત્યુનો આંકડો પણ દેશની અંદર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સહિત જુદા-જુદા દેશની અંદર લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન સ્થાનિક સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે. જેના લીધે આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની મોટાભાગની દુકાનો બંધ રહેતી હોવાથી તેની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. કારણ કે મોરબીના સિરામિક ઉદ્યોગે પણ ઉત્પાદન ઘટાડ્યું છે.
50 જેટલો ઉત્પાદનમાં મૂકાયો કાપ
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી વિગત મુજબ કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યની અંદર હાલમાં લોકડાઉન કે પછી આંશિક લોકડાઉન અમલમાં છે અને આની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર થઈ છે. કારણ કે અન્ય રાજ્યોના વેપારીઓ દ્વારા નવો માલ મંગાવવામાં આવતો નથી. જેથી 30 ટકા જેટલું લોડિંગ દરેક કારખાનાની અંદર ઘટી ગયું છે અને લોડિંગ ઘટી ગયું હોવાના કારણે મોટા ભાગના કારખાનાની અંદર ગોડાઉનમાં તૈયાર માલનો ભરાવો જોવા મળે છે. ઘણા કારખાનેદારોએ પોતાના કારખાનાની અંદર 30 ટકાથી લઈને 50 ટકા સુધી ઉત્પાદનમાં કાપ મૂકી દીધો છે.
આ પણ વાંચો: મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું
કેરળમાં 25 ટકા ઉત્પાદન સપ્લાઈ થતું પણ હાલ બંધ થયું
90 જેટલાં કારખાનેદારોએ હાલમાં પ્રોડકશન બંધ કર્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગની અંદર જેટલું સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાંથી લગભગ 25 ટકા જેટલું કેરળની અંદર સપ્લાય કરવામાં આવતું હોય છે. ત્યાં પણ લોકડાઉન હોવાના લીધે સિરામિક ઉદ્યોગના વેપારીઓ દ્વારા નવો માલ મંગાવવામાં આવતો નથી. જેથી ઉત્પાદનમાં કાપ ન મૂકવામાં આવે અને સતત પ્રોડક્શન ચાલુ રહે તો આગામી દિવસોમાં માલની માંગ કરતાં ઉત્પાદન વધી જાય. જેથી કરીને મુશ્કેલી ઉભી થાય તેવી શક્યતા હોવાના કારણે ઉદ્યોગકારો દ્વારા માંગ અને સપ્લાયના નિયમોને ધ્યાનમાં રાખીને હાલમાં ઉત્પાદન ઉપર કાપ મૂકવામાં આવેલો છે.
શ્રમિકો પણ પોતાના વતન જતા હોવાથી મુશ્કેલી
કેટલાક રાજ્યોનો શ્રમિકો જે ફેકટરીઓમાં કામ કરે છે પણ લોકડાઉન વધુ સમય ચાલશે તેવું માની હાલ વતન તરફ જતા રહ્યા છે. પરિસ્થતિ સરળ બને ત્યાર બાદ જ પરત ફરશે. આના લીધે પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ મુશ્કેલી ભોગવી રહ્યો છે અને આગામી સમયમાં વધુ ફેક્ટરીઓ બંધ થશે તેવી સંભાવના છે.