મોરબીના મકનસર ગામે આવેલ નવા મકનસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજવતા જીતેન્દ્રભાઈ પાંચોટીયા સાચા કર્મયોગી છે. તેમણે શિક્ષક તરીકે હંમેશા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા હોવાથી બાળકોને ગણિત જેવા વિષયનું સચોટ જ્ઞાન સરળ રીતે શીખવી શકાય તે માટે સતત ચિંતન કર્યું હતું. આખરે તેમણે પોતાની શાળામાં બાળકોને ટાઈલ્સ પર શિક્ષણ આપવાનો આઈડિયા શોધી કાઢ્યો. શાળાના શિક્ષકે વિવિધ કીમિયા અજમાવીને ટાઈલ્સ પર ગણિતના સુત્રો, ગુજરાતી ભાષાને પ્રિન્ટીંગ કરાવી ટાઈલ્સ પર બાળકોને શિક્ષણ આપવાનું શરુ કર્યું.
જે ટાઈલ્સ પર શિક્ષણ મેળવવામાં વિદ્યાર્થીઓને પણ આનંદ આવે છે અને બોરિંગ શિક્ષણ પદ્ધતિને બદલે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવી પદ્ધતિ અપનાવીને બાળકોને અભ્યાસમાં રસ લેતા કર્યા છે. ટાઈલ્સ પર ગણિતના ચિત્રો ગણીને સંખ્યા લખવી, પઝલ જેના જવાબ વિદ્યાર્થીઓ સ્કેચ પેનથી જાતે ટાઈલ્સ પર લખી શકે અને આ રીતે બાળકોને ટાઈલ્સ પર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
એક સમર્પિત અને કર્મયોગી શિક્ષક ધારે તો, શું કરી શકે છે તેનું ઉદાહરણ પણ શિક્ષકે પૂરું પાડ્યું છે. બાળકોને સજા આપવાથી કે, બાળકો અભ્યાસમાં રસ લેતા નથી તેવા કોઈ બહાના બનાવ્યા વગર બાળકો કઈ પદ્ધતિથી સારું શિક્ષણ મેળવી શકે છે અને જે શીખવવાનું છે તે, બાળકોને સરળ ભાષામાં કેમ શીખવી શકાય તે માટે જો દરેક શિક્ષક થોડુ ચિંતન કરે તો ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતમાં નવી ક્રાંતિ સર્જાઈ શકે છે. આ એક ઉદાહરણ પરથી આપણે ચોક્કસ કહી શકીએ કે, પોતાના કાર્યને સમર્પિત થઈ જનાર શિક્ષક જ સાચો ગુરુ અને કેળવણીકાર બની શકે છે.